મુખ્યમંત્રીએ રાજ્યમાં 34 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર કુમાઉમાં સોમવારે પાંચ લોકોના મોત થયા હતા. મંગળવારે નૈનીતાલમાંથી 18, અલ્મોડામાંથી 3 અને ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. ઉત્તરાખંડમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદને કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાયા હતા. ઘણા વિસ્તારોમાં નદીના પ્રવાહને કારણે પુલ તૂટી ગયા છે. આ કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ફસાયેલા છે. લોકોને બહાર કાઢવા માટે એરફોર્સ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મંગળવારે રાજ્યના વિવિધ ભાગોમાં સતત વરસાદને કારણે 34 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘર તૂટી પડ્યા બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૂર પીડિતોને વળતર આપવાની જાહેરાત કરી છે. પુષ્કર સિંહ ધામીએ ઉધમ સિંહ નગરમાં પૂર પીડિતોને મળ્યા બાદ કહ્યું, “રાજ્યમાં આવેલી આ આફતમાં 34 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને જેમના મકાનો તૂટેલા છે તેમને 1 લાખ 9 હજાર રૂપિયા આપવામાં આવશે.