કોરોના કાળ દર્દીઓ માટે આફત કાળ તો ચોરો માટે સોનેરી અવસર સાબિત થયો છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે મ્યુનિ. દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર માં ચોરીના બનાવ નોધાયા છે. બુધવારે રાત્રે બી-3 અને બી-4 બ્લોકના નવમા તેમજ દસમા માળે જઇને કેટલાક કોરોના દર્દીઓએ વિદ્યાર્થીઓના રૂમમાંથી કેટલીક ચીજો ચોરી લીધી હતી. આ બાબતે ગુજરાત યુનિ. પોલીસ મથકે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી દીધી છે. મળતી વિગત અનુસાર સમરસ હોસ્ટેલમાં મંગળવારે રાત્રે 9.30 વાગે એક દર્દીએ આવીને એવી ફરિયાદ કરી હતી કે, કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓ બી-3 અને બી-4 બ્લોકના નવમા તેમજ દસમા માળે બંધ રૂમનાં તાળાં તોડી રહ્યાં છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડે તપાસ કરતાં 9 જેટલા કોરોનાના દર્દીએ વિદ્યાર્થીઓનાં કપડાં, ઘડિયાળો સહિતની ચીજો ચોરી થઈ ગઈ હતી. આ તમામ વસ્તુઓ કબજે લઇને યુનિવર્સિટી પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે બાંધકામ સાઇટો પર કામ કરતા શ્રમજીવી યુવાનોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા મ્યુનિ.એ તેમને સમરસ હોસ્ટેલમાં સારવાર હેઠળ રાખ્યા હતા. ત્યારે આ યુવાનો દ્વારા કોરોના વચ્ચે પણ ચોરી જેવો ગુનો આચર્યો હોવાનું જોવા મળ્યું છે. આરોપીઓ પાસેથી ચોરી કરેલી વસ્તુઓ પણ જપ્ત કરાઇ છે. આગામી દિવસોમાં આ યુવાનો કોરોના સારવારથી મુક્ત થયા બાદ તેમની ધરપકડ થવાની શક્યતા છે. સમરસ હોસ્ટેલમાં બી-3 અને બી-4 બ્લોકના 9 અને 10મા માળ કોવિડ કેર સેન્ટરને ફાળવવામાં આવ્યા નથી. ત્યાં તમામ રૂમને તાળાં મારીને બંધ રાખવામાં આવ્યા છે. જોકે આ યુવાનો દ્વારા ઉપરના માળે પહોંચી જઇને તે તાળાં તોડી અંદરની વસ્તુઓ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.