કોરોના વાયરસ અને લોકડાઉનની વચ્ચે મુસલમાનોનો પવિત્ર મહિનો રમઝાન શરુ થઈ ગયો છે .શુક્રવારના રોજ ચાંદ દેખાતા રમઝાન મહિનાની જાહેરાત કરાઈ હતી આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમઝાનનો મહિનો શરૂ થતાં ટવીટ કરીને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું હતું કે, રમઝાન મુબારક ! હું દરેક વ્યક્તિની સુરક્ષા, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું. આ પવિત્ર મહિનો આપની સાથે દયા, સદભાવ અને કરુણતાની પ્રચુરતા લઈને આવે. આપણે કોરોના સામેની લડાઈમાં એક નિર્ણાયક જીત હાંસલ કરી એક સ્વસ્થ ગ્રહ બનાવીશું. સૌ પ્રથમ વાર પવિત્ર રમઝાન માસની શરુઆત કોરોના વાઈરસના લોકડાઉન વચ્ચે થઈ રહી છે આ સાથે પરશુરામ જયંતી પણ છે જો કે તેની ઉજવણી પણ હાલ મોકૂફ રાખવામાં આવી છે. પવિત્ર રમઝાનના પગલે ધર્મગુરુઓએ મુસ્લિમ બિરાદરોને પણ અપીલ કરતાં કહ્યું છે કે પોતાના ઘરમાં ઈબાદત કરવી, નમાજ અતા કરવી, ખરીદી માટે બહાર નીકળો ત્યારે માસ્ક અને હાથે-પગે મોજા પહેરવા જરુરી છે. ઘરે પરત આવો ત્યારે સેનેટાઈઝરથી પણ હાથની સફાઈ કરવી જરુરી છે.