અમદાવાદ, તા.10 ડિસેમ્બર, 2019
મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વરસોથી અમલમાં છે પણ બીજી તરફ, ખુદ રાજય સરકારે જ વિધાનસભામાં સ્વીકાર કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં .252 કરોડ રુપિયાનો દેશી-વિદેશી દારૂ પકડાયો છે. ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ખુદ રાજ્ય ગૃહવિભાગે આંકડા રજૂ કરતાં દારુબંધીનુ અસલી ચિત્ર અને ગુજરાત પોલીસની કામગીરીની પોલ ખુ્લ્લી પ઼ડી ગઇ છે. સરકારના આંકડા સાફ સાફ બતાવી રહયા છે કે દારૂબંદીનો અમલ કાગળ પર અમલમાં છે. દર વિધાનસભામાં વિપક્ષ દ્રારા દારુબંધીને લઈને અચુક સવાલ ઉઠાવાય છે અને સરકાર જવાબ પણ આપી રહી છે પણ પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી.
કોગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં સરકારે ગૃહમાં આંકડા રજૂ કર્યાં હતા કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી 1858217 લિટર દેશી દારૂ 1701038 બિયરની બોટલો, 13801558 વિદેશી દારૂની બોટલો પકડાઇ હતી. દેશી દારૂ, બિયર અને વિદેશી દારૂની કુલ કિંમત રૂા.252,32,52,714 થવા જાય છે. બીજી બાજુ ડ્રગ્સના આંકડા પણ રજુ કરાયા હતા જેમાં 11831 કિલો ગાંજો,3226 કિલો અફીણ,69 કિલો ચરસ અને 1808 કિલો પોશના ડોડા પકડાયાં હતાં. આ બધા ડ્રગ્સની કુલ કિંમત રૂા.16,24,88,730 થવા જાય છે.
રાજયમાં અમદાવાદ, સુરત, જૂનાગઢ, રાજકોટ, વડોદરા અને બનાસકાંઠામાં થી સૌથી વધુ દારૂ,બિયર અને નશીલા પદાર્થો પકડાયાં છે. કોંગ્રેસનો આક્ષેપ છેકે, દારૂબંધી માત્ર નામ પુરતી જ છે. બીજી તરફ રાજય સરકારે એવી દલીલ રજુ કરી હતી કે દારૂ સહિતના નશીલા પદાર્થો પોલીસની સતર્કતાને કારણે ઝડપાયા છે જયાં જયાં પોલીસની નિષ્ક્રીયતા જણાય ત્યાં ત્યાં પગલા પણ લેવાઈ રહ્યાં છે.