દિલ્હી ચૂંટણીમાં 5 વાગ્યા સુધી 58% વોટિંગ, મતદાન જારી

દિલ્હી વિધાનસભા ચૂંટણીની 70 બેઠકો માટે મતદાન જારી છે . સાંજના 5 વાગ્યા સુધીમાં 58 ટકા જેટલું મતદાન નોધાયું છે. સવારથી મોટાભાગના દિગ્ગજો પોતાના મતનો ઉપયોગ કરી ચુકયા છે. રાષ્ટ્રપતિથી લઈને વિદેશ મંત્રી, અરવિંદ કેજરીવાલથી લઈને પૂર્વ પીએમ મનમોહનસિંહે પણ મતદાન કર્યું હતુ. બીજી તરફ મતદાનની સાથેસાથે પણ આપ- ભાજપ વચ્ચે ટવીટર વોર પણ જારી રહ્યું હતુ. ખાસ કરીને હનુમાનજીના દર્શન અને મંદિરની મુલાકાતને લઈને ભાજપ નેતા મનોજ તિવારી અને અરવિંદ કેજરીવાલે ટવીટર વોર છેડયું હતું. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટ માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. આ દરમિયાન ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ પણ મતદાન કરવા જતા દરમ્યાન આપના એક કાર્યકરે ટીપ્પણી કરતાં મામલો ગરમાયો હતો. ગુસ્સે થયેલા અલકા લાંબાએ તે યુવકને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો હતો. અગાઉ વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આમ આદમી પાર્ટી (AAP)એ 70 પૈકી 67 બેઠક પર એકતરફી જીત મેળવી હતી. ભાજપને ફક્ત 3 બેઠક જ મળી હતી. 15 વર્ષ દિલ્હીની સત્તા પર રહેલી કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું ન હતું. આ વખતે પણ મુખ્ય સ્પર્ધા તો ભાજપ અને AAP વચ્ચે જ દેખાય છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વના મુદ્દા CAA વિરોધી પ્રદર્શનનું કેન્દ્ર બનેલું શાહીન બાગ , બિરયાની, હનુમાનજી મંદિર, વિકાસનો પ્રચાર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *