નવરાત્રિના કોસ્ચ્યુમનો રૂપિયા 200 કરોડનો ધંધો ઠપ

ગુજરાતમાં કોરોનાની ઈફેક્ટને કારણે રોજગાર ધંધાને અબજોનુ નુકસાન થયુ છે જેમાં નવરાત્રિ પર નિર્ભર આધારિત ધંધાને કરોડોનો ફટકો લાગ્યો છે. રાજય સરકારે આ વર્ષે નવરાત્રિમાં જાહેર ગરબા આયોજનો પર પ્રતિબંધ મૂક્યો તે પહેલા ગુજરાતમાં મોટાભાગના વેપારીઓ પાસે કરોડોના નવરાત્રિ ડ્રેસીસનો સ્ટોક હતો હવે આ વ્યવસાય પર નભતા વેપારીઓની હાલત કફોડી છે. આજે સ્થિતિ એ છે કે આ માલનો લેવાલ શોધ્યો જડતો નથી. ઘરમા ગરબા થતા હોવાથી લોકો ગત વરસના ડ્રેસીસ પહેરી રહ્યાં છે નવી ખરીદી કરતા જ નથી તેને કારણે બજારો સુમસાન ભાસી રહ્યા છે. કેટલાક વેપારીઓ જણાવે છે કે આ નોરતે હજાર રૂપિયાનો ધંધો પણ થતો નથી. એક અંદાજ અનુસાર એકલા ગુજરાતમાં નવરાત્રિમાં કપડામાં વેપારીઓ 200 કરોડ રૂપિયાથી પણ વધારે ધંધો કરતા હોય છે. એકલા અમદાવાદમાં જ રેડીમેડ કપડાનો 30 કરોડ રૂપિયાનો ધંધો થતો હોય છે. આ વર્ષે ગરબા મોકૂફ રહેતા મફતના ભાવે ચણિયા ચોળી વેચવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિમાં 10 લાખ કે તેનાથી વધુ ધંધો થતો હોય છે. જ્યારે આ વખતે કોઈ લેવાલ જ નથી. નવરાત્રિના વેપારમાંથી જ આખા વર્ષનો ખર્ચ નીકળી જતો હતો પણ આ વર્ષે એ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *