બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે નામિત સૌરવ ગાંગુલીએ ભારત-પાકિસ્તાનની સીરિઝ અંગે કહ્યું કે, ઇન્ટરનેશનલ કાર્યક્રમ સરકારની અનુમતિ વગર નક્કી થતા નથી. આ અંગે નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના ઇમરાન ખાને નિર્ણય લેવાનો છે. ગાંગુલીએ ગુરુવારે કોલકાતામાં આ નિવેદન આપ્યું હતું. ઇમરાન ખાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સંરક્ષક પણ છે. ગાંગુલી 23 ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે બોર્ડના અધ્યક્ષ બની જશે.
પૂર્વ કપ્તાને પત્રકારોને કહ્યું કે, આ પ્રશ્ન (ભારત-પાકિસ્તાન ક્રિકેટ) તમારે મોદીજી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પૂછવો જોઈએ. ઇન્ટરનેશનલ સીરિઝ સરકારની અનુમતિ વગર શક્ય નથી. તેથી અમારી પાસે આ પ્રશ્નનો જવાબ નથી.
ગાંગુલીની કપ્તાનીમાં ભારતે 2004માં પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવ્યું હતું
ભારતીય ટીમે 2004માં ગાંગુલીની કપ્તાનીમાં પાકિસ્તાનમાં વનડે અને ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારે ભારત 1989 પછી પહેલી વાર પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. તેમજ કારગિલ યુદ્ધ (1999) પછી બંને દેશો વચ્ચે પહેલી બાઈલેટરલ સીરિઝ હતી. ભારતે પાંચ વનડેની સીરિઝ 3-2થી અને ત્રણ ટેસ્ટની સીરિઝ 2-1થી જીતી હતી. બંને ટીમો વચ્ચે છેલ્લી બાઈલેટરલ સીરિઝ 2012માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાનની ટીમ ભારત પ્રવાસે આવી હતી. ટી-20 સીરીઝ 1-1થી ડ્રો રહી હતી. જયારે પાકિસ્તાને વનડે સીરિઝ 2-1થી જીતી હતી.
બીસીસીઆઈએ પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી
ફેબ્રુઆરીમાં બીસીસીઆઈએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે ક્રિકેટ સમુદાયમાં આંતકવાદને ટેકો આપનાર દેશ સાથે સંબંધ પૂરો કરવાની માંગ કરી હતી. પત્રમાં બીસીસીઆઈએ વનડે વર્લ્ડ કપ સહિત આઈસીસીની ભવિષ્યની મેચોમાં પણ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે આઇસીસીએ પાકિસ્તાનને વર્લ્ડ કપની બહાર કર્યું ન હતું.