પાથરણાં કરી એમ.ડી.ડ્રગ વેચતો ચંપલનો વેપારી ઝબ્બે

તાજેતરમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના નાર્કોટિક્સ સેલને મળેલી બાતમીના આધારે ત્રણ દરવાજા ખાતે પાથરણું પાથરી ચપ્પલ વેચવાના ઓથા હેઠળ એમ.ડી. ડ્રગનો કાળો કારોબાર કરતાં શખ્સને ઝડપી લઈ  દસ હજારની કિંમતના 0.990 મિલિગ્રામ ડ્રગ ઉપરાંત કુલ 1,28,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નાર્કોટિક્સ સેલે આરોપીને રેડની ગંધ ન આવી જાય તે માટે ત્રણ મહિલા પોલીસ કર્મચારીઓને ચપ્પલ ખરીદનાર ગ્રાહકના સ્વાંગમાં મોકલ્યા હતાં . કારંજ પોલીસ મથકની હદમાં આવેલા ત્રણ દરવાજા પાસે અલ્માશ ઉર્ફે શહેઝાદ શેખ નામનો ઈસમ ગેરકાયદે માદક પદાર્થોનું વેચાણ કરે છે. સીઆઈડી ક્રાઈમની ટીમને બાતમીદારે ત્રણ દરવાજા પાસે એક્સેસ સ્કૂટર પાસે ચપ્પલનો પથારો પાથરી ઉભેલા પીળા તથા વાદળી રંગના ટી-શર્ટ પહેરેલા  ઈસમ અંગે ઈશારો કરી તેની ઓળખ કરી આપી હતી. ઝડપાયેલા આરોપીની તપાસ કરતાં પોલીસને તેના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલીમાં સફેદ રંગનો પાઉડર ઉપરાંત મોબાઈલ ફોન, એક્સેસ સ્કૂટર તથા રોકડ ~ 8200 મળી આવ્યા હતાં. સ્થળ ઉપર એફ.એસ.એલ અધિકારીએ સફેદ પાઉડરની તપાસ કરતાં પ્રાથમિક અભિપ્રાય મુજબ તે એમ.ડી. ડ્રગ તરીકે ઓળખાતો Mehthamphetamine હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર 0.990 મિલિગ્રામ વજન ધરાવતાં એમ.ડી. ડ્રગની કિંમત આશરે ~ દસ હજાર જેટલી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *