પિતાએ જ સામૂહિક આપઘાતનો પ્લાન બનાવ્યો હતો : ભાવિન

વડોદરાના સામુહિક આપઘાત કેસમાં હવે નવા કારણો બહાર આવી રહ્યા છે, ઘરના મોભી નરેન્દ્ર સોની ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આવક ઓછી હોવાથી તેમણે પોતાના મકાન પર અંદાજે 45 લાખ લોન અને વેચાણ પેટે મેળવ્યા હતા. જોકે તેમના મકાન પર 15 લાખની લોન હોવાથી તેમણે જેને મકાન વેચ્યું હતું તેમને દસ્તાવેજ કરી શક્યા ન હતા. જેના કારણે તેઓ સતત તણાવ અનુભવી રહ્યા હતા. પોતાના મકાનનો સોદો કરી તેઓ તેની સામે જ ભાડેથી રહેવા જવા મજબૂર બન્યા હતા. તેમણે તેમની કાર, બાઇક અને મોપેડ ઉપરાંત પુત્રીની સાઇકલ પણ વેચી દીધી હતી. સતત તણાવ અનુભવી રહેલા નરેન્દ્ર સોનીએ આખરે પરિવાર સાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હોવાનું પુત્ર ભાવિને પોલીસને જણાવ્યું હતું.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર સોનીએ 4 દિવસ પહેલાં જ આ નિર્ણય કર્યો હોવાનું જણાયું છે, પણ પોલીસ તેની ખરાઇ કરી રહી છે. બુધવારે તેઓ પોતાના ઘર નજીકની એક દુકાનમાંથી પેસ્ટિસાઇડની બોટલ લાવ્યા હતા અને સાથે કોલ્ડ્રિંક્સની મોટી બોટલ પણ લાવ્યા હતા. બપોરે 3 વાગ્યા બાદ તેઓ પરિવારના તમામ સભ્યો અને પૌત્રને લઇને ઘરની પહેલી રૂમમાં બેઠા હતા અને ત્યાં પેપ્સી અને મિરિન્ડાની બોટલમાંથી ડિસ્પોઝેબલ ગ્લાસમાં કોલ્ડ્રિંક્સ કાઢ્યા બાદ પેસ્ટિસાઇડની 3 બોટલમાંથી દવા કાઢીને તેમાં ભેળવ્યા બાદ દરેક સભ્યે આ ઝેરી પીણું ગટગટાવ્યું હતું. પૌત્રને તેના દાદા નરેન્દ્ર સોનીએ જાતે જ આ ઝેરી પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓ પૌત્રને લઇને પલંગ પર સૂઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *