બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ફરી ભારતના નામે:બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું,

ભારતે ફરી વાર કાંગારૂઓની હરાવી દીધા છે અને સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. પાંચ દિવસની મેચ ફરી વાર 3 દિવસમાં પુરી થઈ ગઈ છે. ભારતે દિલ્હી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત વતી રવીન્દ્ર જાડેજાએ શ્રેષ્ઠ દેખાવ કરતા મેચ જીતી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 42 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. જેના કારણે કાંગારુ ટીમ માત્ર 113 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળતા ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ નોટઆઉટ 31 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 31 અને વિરાટ કોહલીએ 20 રન બનાવ્યા હતા.
આ સિરીઝમાં હજુ પણ બે ટેસ્ટ મેચ બાકી છે .ઓસ્ટ્રેલિયા આ છેલ્લી 2 મેચ જીતીને સિરીઝ 2-2થી ડ્રો પણ કરી શકે છે. ભારત છેલ્લે વર્ષ 2014-15ની BGT હાર્યું હતું. આ પછી 2016-17માં, 2018-19માં, 2020-21માં અને હવે આ વખતે પણ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

ઓસ્ટ્રેલિયાએ 53 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી
કાંગારુ ટીમ બીજી ઇનિંગમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેવિસ હેડે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા જ્યારે માર્નસ લાબુશેન 43 રન બનાવીને આઉટ થયો હતો. ટીમના 8 બેટર્સ તો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહોતા. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 7 વિકેટ ઝડપી હતી. જાડેજાએ આ સિરીઝમાં બીજી વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિનને પણ ત્રણ સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા, ટીમ ઈન્ડિયા 262 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 1 રનની લીડ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *