ભારતીય અર્થતંત્ર મજબૂત છે, વૈશ્વિક સ્તરે મંદીની સ્થિતિ નથી: RBI

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે કહ્યું છે કે વૈશ્વિક સ્તરે મંદીની કોઈ સ્થિતિ નથી પણ વેપારમાં થઈ રહેલો ઘટાડો એ ચિંતાનું કારણ છે. ભારતનું અર્થતંત્ર મજબૂત છે કારણકે કુલ દેવામાં વિદેશી દેવાનો હિસ્સો માત્ર 19.7 ટકા છે. આગામી 12 મહિના સુધી મોંઘવારીનો દર 4 ટકાની નીચે રહેવાનો અંદાજ છે. જોકે ઓગસ્ટમાં મોંઘવારીનો દર 7.67 ટકા પર પહોંચી ગયો હતો.

ટ્રેડવોરે તંગદિલી વધારી
અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરને કારણે તંગદિલીનું વાતાવરણ બન્યું છે. સાઉદી સંકટની અસર પણ ભારત પર બહુ થશે નહીં. બ્લુમબર્ગ ઈન્ડિયા ઈકોનોમિક ફોરમમાં દાસે કહ્યું કે વૈશ્વિક સ્તરે અનેક પડકારો છે. તેમાં ટ્રેડવોરે તંગદિલી વધારી છે. મોટા દેશો વચ્ચેની વેપાર તંગદિલીની અસર મોટા અર્થતંત્ર પર પણ પડે છે. વૈશ્વિક સ્તરે વિકાસદરમાં ઘટાડો થઈ રહ્યો છે અને રિઝર્વ બેન્ક મોનિટરી પોલિસીને સરળ કરી રહી છે. પરંતુ હજુ મંદીની સ્થિતિ બની નથી. સરકારે માળખાગત સુધારા કરીને બજેટમાં નક્કી કરેલા ખર્ચનો હવે અમલ કરવાની જરૂર છે. અમેરિકી ફેડર રિઝર્વે વ્યાજદરમાં કરેલા ઘટાડાની હકારાત્મક અસર થશે.

મંદી એ માત્ર હવા છે, કોઇ એકમ બંધ થયાં હોય તેવું ધ્યાનમાં નથી: રૂપાણી
દેશભરમાં મંદીનો માહોલ હોવાનું બહાર આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે મંદી એ માત્ર હવા છે. મંદીના કારણે કોઇ એકમો બંધ થયા હોય તેવું કશું ધ્યાનમાં આવ્યું નથી. રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં મંદીની સ્થિતિ નથી, ઉદ્યોગોને રાહત આપવા માટે સરકાર પોલિસી લાવે છે. એમએસએમઈ એકમોને આ સોલાર પોલિસીથી ઉપયોગી થશે. કારણ કે વીજ ખર્ચ ઘટવાને કારણે તેમની પ્રોડક્શન કોસ્ટ ઘટશે અને નફો વધશે. મોટા ઉદ્યોગો માટે હાલની પોલિસીમાં કોઇ સુધારો કરાયો નથી. ભવિષ્યમાં એ માટે વિચારણા કરાશે. જો મંદીની સ્થિતિ કે ઉદ્યોગોને કોઇ મુશ્કેલી હોય તેવું જણાશે તો સરકાર તેમને મદદરૂપ થાવ માટે તે પ્રમાણેના પગલાં લેશે તેવી ખાતરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *