નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય સારી રીતે જાણે છે કે, પાકિસ્તાન મુંબઈ 26/11ના આતંકી હુમલાના આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ગંભીર નથી. હુમલાનો માસ્ટર માઈન્ડ જમાત-ઉદ-દાવાનો મુખ્યા હાફિઝ સઈદ પાકિસ્તાનમાં આઝાદીથી ફરી રહ્યો છે અને પાકિસ્તાનની મહેમાનગતી માણી રહ્યો છે.
મુંબઈ આતંકી હુમલા વિશે પાકિસ્તાનમાં ટ્રાયલ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે, આપણે બધા જાણીએ છીયે કે હુમલાનું આરોપી કોણ છે? આપણે જાણીએ છીયે કે માસ્ટર માઈન્ડ કોણ છે? એ પણ જાણીયે છીએ કે આ હુમલાનો માસ્ટર માઈન્ડ કોઈ પણ રોકટોક વગર આખા દેશમાં ફરી રહ્યો છે.
2008માં લશકર-એ-તોઈબાના 10 આતંકીઓએ પાકિસ્તાનથી દરિયાઈ રસ્તે મુંબઈમાં પ્રવેશ કરીને હુમલો કર્યો હતો. તેમાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. ગોળીબાર દરમિયાન ઘણાં બોમ્બ બ્લાસ્ટ પણ થયા હતા. 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો અને અંતે તેને ફાંસી આપવામાં આવી હતી.