બંને રાજ્યોને દરજ્જો મળવાની સાથે જ જમ્મુ, શ્રીનગર અને લેહના રેડિયો સ્ટેશનનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. આજથી જ આ સ્ટેશનથી રેડિયો કાશ્મીરની જગ્યાએ ઓલ ઈન્ડિયા રેડિયો અને આકાશવાણીના નામથી પ્રસારણ શરૂ થઈ ગયું છે. હવે આ રેડિયો સ્ટેશનનું નામ ઓલ ઈન્ડિયા રેડિયો જમ્મુ, ઓલ ઈન્ડિયા રેડિયો શ્રીનગર અને ઓલ ઈન્ડિયા રેડિયો લદ્દાખ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો મળ્યા પછી બંને રાજ્યોમાં ઉપરાજ્યપાલે શપથ લીધા છે. ગુરુવારે શ્રીનગરમાં ગિરીશ ચંદ્ર મુર્મુએ જમ્મુ કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ તરીકેના શપથ લીધા છે. લદ્દાખમાં પહેલાં ઉપરાજ્યપાલ તરીકે રાધાકૃષ્ણ માથુરે લેહમાં શપથ લીધા છે. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ ગીતા મિતત્લે બંનેને સાથે શપથ અપાવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુ 1985 બેન્ચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. તેમની નિમણૂકનો આદેશ મુખ્ય સચિવ બી.વી.આર સુબ્રમણ્યમે વાંચ્યો હતો. રાજભવનમાં આયોજિત સમારોહમાં જમ્મુ-કાશમીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તેમને શપથ અપાવ્યા. આ દરમિયાન અંદાજે 250 રાજનેતા, અધિકારી-કર્મચારી અને નાગરિક હાજર હતા.
લદ્દાખના પહેલાં રાજ્યપાલ બનેલા રાધા કૃષ્ણ માથુર 1977 બેચના ત્રિપુરા કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ નવેમ્બર 2018માં મુખ્ય સૂચના આયુક્ત પદથી નિવૃત્ત થયા છે. તેમણે કેન્દ્રમાં એક્સપેન્ડિચર (ખર્ચ) સચિવ તરીકે પણ કામ કર્યું છે. તેમને પણ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસે શપથ અપાવ્યા છે.