ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસની ઉપપ્રમુખ મેઘના પટેલ સહિત 6ની ધરપકડ કરાઈ
સુરતના રાંદેરમાં ઉગત નેનો ફલેટસ ની ઓટો કન્સલટન્ટની ઓફિસમાંથી શંકાસ્પદ રીતે યુવકે ફાંસો ખાઈ આપઘાતના કેસમાં પોલીસે મહિલા પ્રદેશ કોગ્રેસના ઉપપ્રમુખ મેઘના પટેલ સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી છે .કારખાનામાં દાગીના બનાવવાના કામ દરમિયાન બંગાળી કારીગર સુદીપ નંદન નામના યુવાને દોઢ કિલો જેટલુ સોનું ચોરી કર્યુ હોવાની શંકાથી યુવકને ગોંધીને માર મારી બંધક બનાવાયો હોવાથી તેણે આપઘાતનું પગલુ ભર્યુ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ કેસમાં આત્મહત્યા માટે મજબુર કરવાના કેસમાં પોલીસે ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસની ઉપપ્રમુખ મેઘના પટેલ, સોનાના કારખાનાના માલિક દેવનારાયણ બશક, પુત્રી શ્રેયા, ચિરાગ ખંડેરીયા, અર્જુન ચૌધરી અને તરૂણ નાગરની ધરપકડ કરી છે ભુતકાળમાં દિલ્હી-સુરત ફલાઈટની મુસાફરીમાં મેઘના પટેલ પર એક આઈએએસ અધિકારીને લાફા મારી દેવાનો આક્ષેપ પણ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર દોઢ કિલો સોનુ ચોરી થઈ જવાની શંકા સુદીપ પર કરવામાં આવી હતી બાદમાં કારખાના માલિકના ઈશારે સુદીપને રામનગર ઝઘડિયા ચોકડી પાસે ચિરાગ ખંડેરીયા, અર્જુન ચૌધરી અને તરૂણ નાગરે ગોંધી રાખ્યો હતો. સુરત પોલીસે કરેલી તપાસમાં સુદીપને 12થી 14 ડિસેમ્બર સુધી ગોંધી માર મારવામાં આવ્યો હતો. દરમિયાન 14મીના રોજ સુદીપને ચિરાગની રાંદેર ખાતે આવેલી ઓફિસમાં રાખ્યો હતો. જ્યાં સુદીપે એકલતાનો લાભ લઈ ઓફિસમાં સિલિંગ ફેનમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ પહેલા પોલીસે મોતનુ સાચુ કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી હતી.