રાજકોટની ભાગોળે છેલ્લા 40 દિવસથી ધામા નાખનાર ત્રણ સિંહોને આજે વહેલી સવારે પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગની નર્સરીમાં લઇ જવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે હાશકારો થયો છે. સિહોને પાંજરે પુરવા આ રેસ્કયૂ ઓપરેશન માટે ગીરથી ફોરેસ્ટ ટીમ ખાસ આવી હતી. આજે વહેલી સવારે ત્રણેય સિંહોને પાંજરે પુરવામાં વન વિભાગ સફળ રહ્યું હતું. અલગ અલગ ત્રણ પાંજરામાં ત્રણેય સિંહ પુરાયા છે. ગીર જંગલમાં ત્રણ સિંહનું ગ્રુપ રાજકોટ જિલ્લાના વીરનગર ગામમાં સૌપ્રથમ જોવા મળ્યું હતું. બાદમાં હલેન્ડા, ત્રંબા અને કોટડાસાંગાણી પંથકમાં ધામા નાખ્યા હતા. કોટડાસાંગાણીના ભાયાસર ગામમાં ત્રણ સિંહોએ 15થી વધુ દિવસ સુધી ધામા બાદમાં આ સિંહો થોડા દિવસ પહેલા જ આજીડેમ સુધી પહોંચ્યા હતા અને એક ગાયનું મારણ કર્યુ હતું. બે દિવસ પહેલા જ વડાળી ગામમાં વાછરડીનું મારણ કર્યું હતું. વડાળીમાં છેલ્લા 7 દિવસથી ત્રણેય સિંહોએ ધામા નાખ્યા હતા.