કચ્છ જિલ્લાની ૮૧ ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર

૪૩ આંગણવાડીઓના ખાતર્મુહૂત, ૩.૬૫ કરોડના ખર્ચે બનશે નવીન આંગણવાડીઓ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છમાં ૧૪.૨૩ કરોડના ખર્ચે નવનિર્મિત ૮૧ ગ્રામ પંચાયતોના ઈ-લોકાર્પણ કર્યા

એક જ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી લોકાર્પણ સંપન્ન કરી જે કહેવું તે કરવું નો પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ નો કાર્ય મંત્ર સાકાર કર્યો છે

નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધાસભર આંતર માળખાકીય સવલતો પહોંચાડવાની સરકારની નેમ છે: મુખ્યમંત્રીશ્રી

પંચાયત ઘરના નવીનીકરણ – રેકોર્ડ મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સહિતની સેવાઓ માટે પંચાયત વિભાગ માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ સરકારે કરી છે: શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની પરિપાટી વિકસાવવા માટે આત્મા ગામડાનો, સુવિધા શહેરનીનો જે કોન્સેપ્ટ આપ્યો છે તેને આપણે સાકાર કરવાનો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની વિવિધ ૮૧ ગ્રામ પંચાયતોના નવીનીકરણ પામેલા પંચાયત ઘરોના લોકાર્પણ અને નવી બનનારી ૪૩ આંગણવાડીઓના ઈ- ખાત મુહૂર્ત ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.
રૂપિયા ૧૪.૨૩ કરોડના કુલ ખર્ચે આ પંચાયત ભવનો નિર્માણ થયા છે. સાથે જ ૩.૫ કરોડના ખર્ચે ૪૩ આંગણવાડીઓ બનાવવામાં આવશે.

એટલું જ નહીં કચ્છ જિલ્લાના ગામોમાં સ્વચ્છ ભારત મિશનને ચરિતાર્થ કરતા ૨૩ ગામોમાં રૂપિયા ૪૬ લાખના ખર્ચે ઇ રીક્ષા પણ અર્પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેવાડાના ગ્રામીણ લોકોને પણ ઘર આંગણે સરકારી યોજનાના લાભો મળી રહે તે માટે ૧૪,૦૦૦થી વધુ ગામોમાં ઇ-ગ્રામ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આવકના દાખલા, રાશનકાર્ડમાં સુધારા-વધારા જેવી અગત્યની 321 જેટલી સેવાઓ ડિજિટલ માધ્યમથી ગ્રામ પંચાયતોમાં ઉપલબ્ધ બનાવી છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હવે વિકાસકાર્યોના આયોજનોમાં ‘બોટમ ટુ ટોપ’ને મહત્વ અપાય છે અને પાયાના એકમનો પહેલા વિચાર કરવામાં આવે છે.

પંચાયત ઘરના નવીનીકરણ, રેકોર્ડ મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ વગેરે માટે રાજ્ય સરકારના આ વર્ષના બજેટમાં પંચાયત વિભાગ માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે માત્ર એક જ વર્ષ માં કચ્છમાં નિર્માણ થયેલી ૮૧ ગ્રામ પંચાયતોના નવા મકાનોથી ‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર પાર પાડ્યો છે. તેનો પણ ઉલ્લેખ કર્યો.

ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ વિકાસલક્ષી કામોથી કચ્છ જિલ્લાની વિકાસગાથાને વેગ મળશે અને ગ્રામીણ પ્રજાજનોને વધુ સુવિધા મળશે તે માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારુલબહેન કારાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

આ અવસરે કચ્છ જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પદાધિકારીઓ તથા ગ્રામજનો સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *