ગુજરાતમાં કાગડા, બતક, ટીટોડી, કબૂતર જેવા પક્ષીઓમાં એવીયન ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસ- બર્ડ ફ્લૂ વાઈરસ મળ્યો છે. ભોપાલ ખાતે આવેલી નેશનલ ઈન્સ્ટિટયુટ ફોર હાઈ સિક્યુરિટી એનિમલ ડિઝીસ લેબ દ્વારા મંગળવારે બારડોલીના મઢી ગામમાં સળંગ બીજા દિવસે પણ વધુ બે કાગડાના મૃતદેહોમાંથી લેવાયેલા સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટીવ રિપોર્ટ મળતા સુરત જિલ્લાના મઢી ગામમાં વહિવટી તંત્ર દ્વારા ચિકન સેન્ટરો બંધ કરવા આદેશ આપ્યાનું જણાવા મળ્યુ હતુ. એટલુ જ નહિ, પશુપાલન વિભાગે બારડોલીના મઢી આસપાસના ક્ષેત્રોમાં પોલ્ટ્રી ફાર્મ, જળ પાલ્લવિત એરિયાના પક્ષીઓના સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરી હતી.બર્ડ ફ્લુનો ખતરો ધીરે ધીરે વધી રહ્યો છે. રાજ્યના ચીફ ચીફ સેક્રેટરી અનિલ મુકિમે વિડિયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેક્ટરોને બર્ડ ફ્લૂના ચેપનો ફેલાવો અટકાવવા અને ચેપગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સને સઘન બનાવવા ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો ચૂસ્ત અમલ કરવા આદેશ આપ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લાઓના 35 સ્થળો પરથી 111 મૃત પક્ષીઓના સેમ્પલ RT-PCR ટેસ્ટ માટે ભોપાલ મોકલાયા છે.ગુજરાતમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય ટીમ બર્ડ ફ્લૂ ને નિયંત્રણમાં લેવા માટેની કામગીરી પર નજર રાખવા માટે ગુજરાત આવશે. કેન્દ્ર સરકારે રાજ્યમાં પૂરતી સંખ્યામાં પીપીઈ કીટ તથા સંક્રમિત પશુ-પક્ષીઓના નિકાલ માટે મોટાપાયે અભિયાન માટે પૂરતી વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો.