બનાસકાંઠા જીલ્લાના સરહદી તાલુકાઓમાં ખેડુતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. માવઠાનો મારને સહન કરીને માંડ માંડ બેઠા થયા ત્યાં હવે તીડના ટોળાએ ખેતરોમાં આક્રમણ કરી દીધુ છે જેને લઈને પાકને મોટુ નુકસાન પહોચી રહ્યું છે . રાજસ્થાન તરફથી આવેલા તીડના ઝુંડના આક્રમણથી જગતનો તાત ચિંતિત બન્યો છે. સરહદી વિસ્તારમાં આ અગાઉ તીડના આક્રમણથી મોટી અસર વાવ તાલુકા અને આસપાસના ગામોમાં પડી છે વાવ તાલુકાના મીઠાવી ચારણમાં તીડનો ઉપદ્રવ વધુ જોવા મળ્યો છે . તીડ આક્રમણને પગલે પંથકમાં જીરૂ અને દિવેલાના પાકને મોટાપાયે નુકશાન થયુ હોવાથી ખેડુતો સહાયની માંગ કરી રહ્યા છે. સુઇગામ તાલુકાના 10 જેટલા ગામોમાં તીડોએ આક્રમણ કરતા ખેડુતોને ભારે નુકશાન થયુ છે. જીરૂ અને રાયડાના ઉભાપાકને નુકશાન થતાં ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સુઇગામના રડોસણ, મેઘપુરા, પાડણ, ભરડવા, સુઇગામ, નડાબેટ, જલોયા, લીંબુણી, માધપુરા, મસાલી સહિતના ગામોમાં પણ તીડનું આક્રમણ યથાવત છે તીડના ત્રાસને દુર કરવા અનેક રજુઆતો સરકાર સુધી કરી છે અને ખેડૂતો તીડને ભગાડવા જાત જાતના નુસ્ખા કરી રહ્યાં છે છતાંય પાકને મોટુ નુકસાન થયુ છે જેની પણ નોધ રાજય સરકારના કૃષિ વિભાગે લીધી છે.