સાઉથના જાણીતા એકટર રાણા દગ્ગુબતીએ મિહિકા બજાજ સાથે સગાઈ કરી લીધી છે અને આગામી 8 ઓગસ્ટે લગ્નગ્રંથિથી જોડાશે. થોડા દિવસ પહેલા આ બંનેની હૈદરાબાદમા રામાનાયડુ સ્ટુડિયોમાં રોકા સેરેમની યોજાઈ હતી. રાણાના પિતા તથા પ્રોડ્યૂસર સુરેશ બાબુએ કહ્યું હતું કે રાણા તથા મિહિકાના લગ્ન આઠ ઓગસ્ટે યોજાશે. રાણા તથા મિહિકા આઠ ઓગસ્ટના રોજ બંને પરિવારની હાજરીમાં લગ્ન કરશે. સરકારે કોરોનાવાઈરસને લઈ જે ગાઈડલાઈન બહાર પાડી છે, તે પ્રમાણે જ આ લગ્ન યોજાશે. રાણાએ કહ્યું હતું, ‘મિહિકા હૈદરાબાદમાં જ મોટી થઈ છે. અમારા જુબિલી હિલ્સ સ્થિત ઘરની નજીકમાં જ રહે છે. તે તેલુગુ બોલી શકે છે પરંતુ તેમાં માહિર નથી. અમારી દુનિયા એક જેવી જ છે. મારા પરિવાર સાથે તેના મિત્રતા જેવા સંબંધ છો અને મુંબઈમાં તેના ફ્રેન્ડ સર્કલને હું ઓળખું છું.’ મિહિકા બિઝનેસ પરિવારમાંથી આવે છે. મિહિકા પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડ્યૂ ડ્રોપ ડિઝાઈન સ્ટૂડિયોની ફાઉન્ડર છે. મિહિકાએ મુંબઈમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું છે. તેણે લંડનમાંથી આર્ટ એન્ડ ડિઝાઈનમાં માસ્ટર ડિગ્રી લીધી છે. મુંબઈમાં તે છેલ્લાં એક વર્ષથી ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરે છે.