ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં ધોનીની ભૂમિકા ભજવનાર સુશાંત સિંહ રાજપૂત આ દુનિયાને અલવિદા કરી દીધી છે. પણ હવે તેની યાદોને લોકો વાગોળી રહ્યા છે. ધોનીની ફિલ્મમાં ધોની જેવા બનવા માટે સુશાંતે ખુબ મહેનત કરી હતી અને તે માટે તે ધોનીના બાળપણના કોચ કેશવ બેનર્જીની પાસે પણ ગયો જેથી ભારતીય કેપ્ટનના બહુચર્ચિત હેલિકોપ્ટર શોટ લગાવવાનું શીખી શકે. ફિલ્મમાં એવી ઘણી વસ્તુ છે જે સુશાંતે ધોનીની જેમ કરી હતી અને હેલિકોપ્ટર શોટ તેમાંથી એક હતો. આ ફિલ્મમાં બેનર્જીની ભૂમિકા અનુભવી અભિનેતા રાજેશ શર્માએ નિભાવી હતી. બેનર્જીએ કહ્યુ કે, સુશાંત ખુબ સારો વ્યક્તિ હતો અને તેણે ફિલ્મ માટે હેલિકોપ્ટર શોટ તથા ધોનીની રીતભાત શીખવા માટે સંપર્ક કર્યો હતો. બેનર્જીએ કહ્યુ હતુ કે સુશાંત હંમેશા મને કહેતો હતો કે દાદા, ધોનીનો હેલિકોપ્ટર શોટ શીખવી દો. તેમણે કહ્યુ, તે મને પૂછતો હતો કે માહી કઈ રીતે રમે છે, તેના ચહેરાના હાવભાવ શું હોય છે. તે ખુબ ફોકસ હતો. એક તરફી સમર્પણ. તેથી બધુ સારી રીતે થયું હતું. તમે કહી ન શકો કે તે ધોની નથી. આજે માત્ર મારી પાસે યાદો છે. હું દુખમાં છું.