ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકોની સાથે સાથે નેતાઓ પણ આવી રહ્યા છે. રવિવારે વધુ એક ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા છે. ભાજપના ધારાસભ્ય નિમાબહેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે ફેસબુક પર પોસ્ટ કરી જાણકારી આપતા લખ્યું કે, કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાતા મેં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પરંતુ ડૉક્ટર્સની સલાહ મુજબ હું હોમ આઈસોલેશનમાં છું. જે કોઈ મારા સંપર્કમાં આવ્યા છે તે પણ ટેસ્ટ કરાવી લે અને પોતાને આઈસોલેટ કરે. આ પહેલા ભાજપના કિશોર ચૌહાણ, પૂર્ણેશ મોદી, નિમાબહેન આચાર્ય, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા અને મંત્રી રમણ પાટકર કોરોનાનો ભોગ બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી સી.જે.ચાવડા, ઈમરાન ખેડાવાલા,નિરંજન પટેલ,કાન્તિ ખરાડી,ચિરાગ કાલરિયા અને ગેનીબેન ઠાકોરને કોરોના થયો હતો. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જોકે આ તમામ નેતાઓમાંથી હાલ ભરતસિંહ સોલંકી જ સારવાર હેઠળ છે. જ્યારે બાકીના તમામ નેતા સાજા થઈ ચૂક્યા છે.