કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વ લપેટામાં છે તેમાં સૌથી વધુ હાહાકાર અમેરિકામાં મચાવ્યો છે. એકલા અમેરિકામાં અત્યારસુધી 1.28 કરોડથી વધુ લોકો કોરોનાગ્રસ્ત તો 2.43 લાખથી વધુના મૃત્યુ થયાં છે. જેની અસર યુએસ ચુંટણી પર પડી હતી અને ટ્રમ્પે પોતાની સત્તા પણ ખોઈ, હવે તેમાંથી બોધપાઠ લઈને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે તે 20 જાન્યુઆરી 2021ના રોજ પદ સંભાળતાં જ તમામ રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરશે. એના માટે તમામ રાજ્યોના ગવર્નર સાથે વાતચીત પણ કરશે. બાઈડન મહામારીનો સામનો કરવા નેશનલ સપ્લાઇ ચેન કમાન્ડરની નિમણૂક કરશે અને પેન્ડેમિક ટેસ્ટિંગ બોર્ડની રચના કરશે. બાઈડન પેન્ડેમિક ટેસ્ટિંગ બોર્ડના માધ્યમથી ઓછા સમયમાં રેકોર્ડ સંખ્યામાં કોરોના ટેસ્ટિંગ કિટ સહિત અન્ય સામગ્રી તૈયાર કરાવવા માગે છે.