જુનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ધોરણ 10ના છાત્રએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે બી ડિવીઝન પોલીસે જણાવ્યું હતું કે,ઉત્સવ અશ્વિનકુમાર ઠુમ્મર નામનો ધોરણ 10માં અભ્યાસ કરતો છાત્ર રૂમ નંબર 15માં રહેતો હતો. શુક્રવારે સવારે 6:30 વાગ્યા આસપાસ તેમણે રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. મંદિરના કોઠારી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે,મૃતક અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીપરીયા ગામનો રહેવાસી હતો.તે જે.પી.સ્વામિના રૂમમાં રહેતો હતો.ધોરણ 10માં રિપીટર તરીકે અભ્યાસ કરતો હતો અને ટ્યુશન પણ રાખ્યું હતું. દરમિયાન સવારે 5:30 વાગ્યે થતી મંગળા આરતીમાં નજરે ન પડતા તપાસ કરી હતી.ત્યારે તેમણે રૂમમાં ગળેફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ થોડા સમય પહેલા તેના દાદા-દાદી એક્સપાયર્ડ થતા ટેન્શનમાં હતો.