અમરેલી જિલ્લાના ખાંભાના લાપાળા ડુંગરાળ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સિંહોના રહેઠાણ નજીક જ આગ લાગતા વનવિભાગ પણ એલર્ટ બન્યું છે. જો કે, હાલ આગના કારણે વન્યજીવ પણ જોખમ ન હોવાનો વનવિભાગ દ્વારા દાવો કરાયો છે. અમરેલીના મિતિયાળા અભ્યારણ્ય નજીક આવેલા રેવન્યુ વિસ્તારમાં જ આગની ઘટના બનતા વનવિભાગ સતર્ક બન્યું છે. સાંજના સમયે ખાંભાના લાપાળા ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. પવનની સાથે આગ પણ ફેલાઈ રહી છે. ગીરના જંગલ વિસ્તાર નજીકમાં જ આગનો બનાવ બનતા વનવિભાગ સતર્ક બન્યું છે અને આગ વધુ પ્રસરે નહીં તેની ખાસ તકેદારી રખાઈ છે. મળતી માહિતી અનુસાર આગ રેવન્યુ વિસ્તારમાં છે. બાજુમા મિતિયાળા જંગલ પણ છે પણ હાલ વન્યપ્રાણીને કોઈ નુકસાન નહી પહોચ્યુ હોવાના સમાચાર છે.