દિલ્હીમાં મેયરની ચૂંટણી રણસંગ્રામમાં ફેરવાઈ ગઈ છે. આપ અને ભાજપ વચ્ચે થયેલા હંગામો મારામારી સુધી પહોંચી ગયો હતો. દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક સુધી રોકવાની ફરજ પડી હતી. કાઉન્સિલરોની શપથવિધિ સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી. પ્રિસાઇડિંગ ઓફિસરે સૌપ્રથમ નામાંકિત સભ્યોને શપથ લેવડાવતાની સાથે જ આમ આદમી પાર્ટી ના સભ્યોએ વિરોધ શરુ કર્યો હતો. જેને લઈને ભાજપના કોર્પોરેટરો પણ મેદાનમાં ઉતરીને હંગામો શરુ કર્યો હતો
શરુઆતમાં સામસામે દલીલો અને બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. AAPના કોર્પોરેટરો તો ગુસ્સે થઈને પ્રિસાઇડિંગ ઓફિસરની સીટ પર ચઢી ગયા હતા. આ દરમિયાન કેટલાક કાઉન્સિલરો ખુરશી ઉપાડીને અપશબ્દો બોલતા ભારે ધમાલ મચી ગઈ હતી. આપની બહુમતીની સામે LGએ ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા હતા જેની સામે AAPએ મુકેશ ગોયલનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં પ્રોટેમ સ્પીકરે એલજીના નામાંકિત સભ્યોને શપથ લેવડાવવાની શરૂઆત કરતા આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતાં.