પાકિસ્તાનના કરાચીમાં હાલ એક રહસ્યમય બીમારી જોવા મળી રહી છે. આ બીમારીથી 14 બાળકો સહિત 18 લોકોના મોતની જાણકારી મળી રહી છે. હમણાં સુધી ડોક્ટરો આ રહસ્યમય બીમારીનું કારણ જાણી શક્યા નથી. સ્વાસ્થ્ય સેવાઓના નિર્દેશક અબ્દુલ હમીદ જુમાનીએ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી હતી કેમારીના માવાચ ગોથ વિસ્તારમાં 10 થી 25 જાન્યુઆરી વચ્ચે રહસ્યમય બીમારીના કારણે 14 બાળકો સહિત 18 લોકોના મોત થઇ ગયા છે.
અબ્દુલ હમીદ જુમાનીએ જણાવ્યું હતું કે, “આ મૃત્યુનું કારણ શોધવા માટે સ્વાસ્થ્ય ટીમ હજુ પણ કામ કરી રહી છે, પરંતુ અમને શંકા છે કે તે દરિયા અથવા પાણી સંબંધિત હોઈ શકે છે કારણ કે ગોથ (ગામ) જ્યાં આ મૃત્યુ થયાં છે તે દરિયાકાંઠાના વિસ્તારની ખૂબ નજીક છે.” માવાચ ગોથ એક ઝૂંપડપટ્ટી વિસ્તાર છે જ્યાં મોટાભાગના લોકો મજૂર અથવા માછીમારો છે. જુમાનીએ કહ્યું કે મૃતકના સંબંધીઓએ પુષ્ટિ કરી છે કે તેમના મૃત્યુ પહેલા તેમના સંબંધીઓને ખૂબ તાવ, ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, “કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે છેલ્લા બે અઠવાડિયામાં આ વિસ્તારમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી છે.” કેમારીના ડેપ્યુટી કમિશનર મુખ્તાર અલી અબ્રોએ જણાવ્યું હતું કે તેઓએ આ સંબંધમાં પૂછપરછ માટે ફેક્ટરીના માલિકની પણ અટકાયત કરી છે. તેમણે કહ્યું કે અમે રાજ્યની પર્યાવરણીય એજન્સીને બોલાવી હતી જેણે આ વિસ્તારમાં કાર્યરત ત્રણ ફેક્ટરીઓમાંથી નમૂના એકત્રિત કર્યા હતા.
સિંધ કેન્દ્ર (કેમિકલ સાયન્સ)ના વડા ઈકબાલ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓએ ફેક્ટરીઓમાંથી સોયાબીનના કેટલાક નમૂના એકત્ર કર્યા છે અને તેમને શંકા છે કે મૃત્યુનું કારણ સોયા એલર્જી પણ હોઈ શકે છે. હવામાં સોયાબીનની ધૂળના કણો ગંભીર બીમારીઓ અને મૃત્યુનું કારણ બની શકે છે અને હવાનું પ્રદૂષણ અને હવામાન મોટી ભૂમિકા ભજવે છે, એમ તેમણે જણાવ્યું હતું. ચૌધરીએ કહ્યું કે અમે હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી અને સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.