દાદા સાહેબ ફાળકેથી સન્માનિત બિગ બીના જીવનના ચાર પડાવ

અમિતાભ બચ્ચનને તેમની કરિયરના 50મા વર્ષે 2018 માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે (24 સપ્ટેમ્બર) આ અંગેની માહિતી આપી હતી. અમિતાભ સંઘર્ષ બાદ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનું જીવન સંઘર્ષમય રહ્યું છે. તેમના જીવનના આવા જ ચાર કિસ્સા અંગે અમે વાત કરીશું.

પડીને ફરીથી ઊભા થવાના ચાર કિસ્સા

1. ફ્લોપથી ગભરાયા નહીં, પ્રયત્નો કરતા રહ્યાં

ફિલ્મી કરિયરની ફ્લોપ શરૂઆત બાદ મુંબઈના નિર્માતા-ડિરેક્ટર તેમને ફિલ્મમાં લેતા ખચકાતા. અમિતાભ નાસીપાસ થવા લાગ્યા હતા. એ દિવસોમાં પ્રકાશ મહેરા ‘જંજીર’ (1973)નું કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે પ્રાણે તેમને અમિતાભને ફિલ્મમાં લેવા તૈયાર કર્યા. ફિલ્મ બનીને તૈયાર થઇ પણ, ડિસ્ટ્રીબ્યૂટર્સ ફિલ્મ લેવા તૈયાર થયા નહીં, કેમ કે, અમિતાભ ફ્લોપ હિરો હતા. ફિલ્મ રિલીઝ થઇ અને અમિતાભનો સંઘર્ષ લેખે લાગ્યો અને જેને પણ આ ફિલ્મ જોઈ તે અમિતાભના દીવાના થયા.

2. જીવલેણ ઘા બાદ ફરી ઉઠ્યા

1982માં આવેલી ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ સાથે બનેલી દુર્ઘટના ખૂબ દર્દનાક હતી. એક્ટર પુનિત ઇસ્સારનો એક મુક્કો લાગવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. અમિતાભને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. આ એ સમય હતો જયારે અમિતાભનું કરિયર સાતમા આસમાને હતું. આ સ્થિતિમાં દેશમાં અમિતાભ માટે પ્રાર્થનાઓ થવા લાગી હતી. આખરે, અમિતાભે લોકોની દુઆઓ અને પોતાની જીજિવિષાના દમ પર જીવનનો આ જંગ જીતી લીધો અને સ્વસ્થ થઈને હોસ્પિટલની બહાર નીકળ્યા.

3. રાજકીય નિષ્ફ્ળતા ભૂલીને આગળ વધ્યા

1984માં અમિતાભને અલાહાબાદની લોકસભા સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર એચ.એન.બહુગુણા સામે ચૂંટણી લડ્યાં હતાં. એચ એન બહુગુણા યુપીના મુખ્યમંત્રી પદ પર પણ રહી ચૂક્યાં હતાં. અમિતાભ આ ચૂંટણી ખૂબ મોટા અંતરથી જીત્યાં હતાં પણ ચૂંટણી જીત્યાના ત્રણ વર્ષ બાદ તેમણે રાજીનામુ આપી દીધું. એ સમયે બોફોર્સ કાંડ પોતાની ચરમસીમાએ હતો અને ગાંધી પરિવાર સાથે બચ્ચન પરિવાર ગોટાળામાં સપડાયો હતો, જેના કારણે અમિતાભ ખૂબ વ્યથિત થયા હતા. જોકે, આ બધામાંથી બહાર આવીને ફરી ફિલ્મ્સમાં સફળતા મેળવી શક્યા હતાં

4. કાળી રાત બાદ નવી સવાર આવી

1995મા અમિતાભે ‘અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ’ (ABCL)ની શરૂઆત કરી, જે એક ફિલ્મ પ્રોડક્શન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હતી. પ્રોપર પ્લાનિંગના અભાવે અને મેનેજમેન્ટની ખામીના કારણે તેમની કંપની દેવા નીચે દબાઈ ગઈ હતી. આ સમય અમિતાભના જીવનનો સૌથી ખરાબ સમય હતો. એટલે સુધી કે, અમિતાભ પોતાની કંપનીમાં કામ કરનાર કર્મચારીઓને તેમની સેલેરી સુદ્ધાં આપી શક્યા નહોતા. એબીસીએલ ફ્લોપ થવાના કારણે અમિતાભ બચ્ચનના મુંબઈના ઘર અને દિલ્હીની જમીન જપ્ત થવા અને હરાજી થવાની સ્થિતિમાં આવી ગઈ હતી. બેંક પૈસાની વસૂલી માટે દબાણ કરવા લાગી ત્યારે અમિતાભ બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ એન્ડ ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન પાસે ગયા અને મદદ માગી. એવામાં મુંબઈ હાઇકોર્ટે તેમને પોતાના મુંબઈ ખાતેના બંને બંગલા વેચતા રોક્યા અને બીજી રીતે લોન ચૂકવવા સમય આપ્યો. અમિતાભે આ વિષે કહ્યું હતું, ‘હું આ બધું બંધ કરવા ઈચ્છતો નહતો. ઘણા લોકોના પૈસા તેમાં રોકાયા હતા અને લોકોને આ કંપની પર ભરોસો હતો. આ બધું મારા નામના કારણે જ હતું. હું એ લોકો સાથે દગો ના કરી શકું. એ દિવસોમાં મારા માથે સતત તલવાર લટકતી રહેતી હતી. મેં ઘણી રાતો જાગીને કાઢી છે. ત્યાર પછી એક દિવસ હું જાતે જ યશ ચોપરા પાસે ગયો અને કહ્યું કે મારે કામ જોઈએ છે. યશજીએ મને ‘મોહબ્બતેં’ ઓફર કરી. ફિલ્મ મળ્યા બાદ અમિતાભને ‘કેબીસી’ હોસ્ટ કરવાની ઓફર મળી હતી, જેણે મને નવી ઓળખ આપી. ત્યારબાદ મેં જાહેરાતો અને ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી દીધી. મારા માથા પરનું 90 કરોડનું દેવું ઉતરી ગયું અને હું નવી શરૂઆત કરવામાં સફળ રહ્યો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *