Yahoo બાદ હવે GoDaddy કંપનીએ કરી મોટા પ્રમાણમાં છટણી

વિશ્વસ્તરે છટણીનો સમય ચાલી રહ્યો છે. અનેક ટેકનોલોજી કંપનીઓ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી રહી છે. શુક્રવારે Yahooએ 20% સ્ટાફને નોકરીમાંથી કાઢવાની વાત કરી હતી. આજે વધુ એક કંપનીનું નામ આ યાદીમાં જોડાઈ ગયું છે.

GoDaddy એ તેના 8 ટકા એટલે કે આશરે 500 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે નબળી આર્થિક સ્થિતિ અને આગામી સમયમાં આવનારા પડકારોને લીધે આ કઠોર નિર્ણય કર્યો છે.

530 કર્મચારીની છટણી
કંપનીના CEO અમન ભૂટાનીએ જણાવ્યું છે કે 530 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. તેની સૌથી વધારે અસર અમેરિકામાં થઈ છે. કંપની તેના તમામ ડિવિઝનમાં કર્મચારીની સંખ્યા ઘટાડી રહી છે. કંપની પાસે સમગ્ર વિશ્વમાં કુલ 6,600 કર્મચારી છે.

ભૂટાનીએ જણાવ્યું હતું કે આ પગલા પાછળનો ઉદ્દેશ GoDaddyમાં ત્રણ બ્રાંડ-મીડિયા ટેમ્પલ, મેન સ્ટ્રીટ હબ અને 123Regના ઈન્ટીગ્રેશનને વધારે મજબૂત કરવામાં મદદ કરવાનો હતો.

કર્મચારીઓને આ લાભ અપાશે
CEOએ આપેલી માહિતી પ્રમાણે નોકરીમાંથી હટાવવામાં આવેલા કર્મચારીઓને સ્થાનિક નીતિ-નિયમો પ્રમાણે ટ્રાંઝીશન પેકેજ (Transition package) આપવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં ભૂતપૂર્વ કર્મચારીઓને કોર બેનિફિટ કવરેજ સાથે 12 સપ્તાહની પેઈડ એડમિનિસ્ટ્રેટીવ લીવ આપવામાં આવશે. આ ઉપરાંત, ઓછામાં ઓછા ચાર સપ્તાહ માટે હેલ્થકેર બેનિફિટ, આઉટપ્લેસમેન્ટ અને ઈમિગ્રેશન સપોર્ટ આપવામાં આવશે.

તાજેતરમાં આ કંપનીઓએ પણ કરી છે છટણી
તાજેતરના મહિનામાં દુનિયાભરની કંપનીઓમાં હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. કંપનીઓ મંદીની આશંકા વચ્ચે સતત છટણી કરી રહી છે. આ સપ્તાહની શરૂઆતમાં વિડીયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમ દ્વારા 15 ટકા કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 1300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા.

આ ઉપરાંત અમેરિકાની મલ્ટીનેશનલ કંપની બોઇંગે પણ 2,000 કોર્પોરેટ નોકરીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વર્ષમાં બે મહિનાથી ઓછા સમયમાં 336 કરતા વધારે ટેકનોલોજી કંપનીઓએ 1 લાખ કરતા વધારે કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા છે. આ અગાઉ ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ અગાઉથી જ કર્મચારીઓને વૈશ્વિક મંદીનું કારણ આપીને નોકરીમાંથી કાઢ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *