અમદાવાદના GMDC મેદાનમાં ગુજરાત સરકાર અને DRDO દ્વારા 900 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. પરંતુ પૂરતો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ન હોવાથી હોસ્પિટલ હજુ પુર્ણ રીતે કાર્યરત નથી ત્યારે આવા સંજોગોમાં મેડીકલ સ્ટાફની ભરતી તો શરુ કરાઈ છે બીજી તરફ કેરળની ઇઝહિમાલા નવલ એકેડમી મદદે આવી છે. કેરળની નૌસેનાની 57 સભ્યોની મેડિકલ ટીમ અમદાવાદ કોરોનાના દર્દીઓની સારવાર માટે આવી પહોંચી છે. જેમાં 4 ડોક્ટર, 7 નર્સ, 26 પેરામેડિકલ સ્ટાફ અને 20 સ્પોર્ટિંગ સ્ટાફ એમ 57 સભ્યો અમદાવાદની ધન્વંતરિ કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપશે. આ ટીમ 2 મહિના અમદાવાદ રોકાશે અને જો પરિસ્થિતિ ગંભીર હશે તો 2 મહિનાથી વધારે સમય અમદાવાદ રોકાશે. મળતી માહિતી મુજબ આ ટીમ સિવિલ હોસ્પિટલ અને DRDO હોસ્પિટલમાં મુલાકાત લેશે અને જ્યાં જરૂર લાગશે તે પ્રમાણે તેઓ હોસ્પિટલમાં સારવાર આપશે.