કોરોનાની મહામારીમાં લોકો ઝઝુમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તંત્ર દંડ ઉઘરાવવામાં પડ્યું છે. અમદાવાદ શહેરમાંથી રોજના 200 આસપાસ વાહન ડિટેઇન થયેલા આરટીઓ કચેરીમાં આવી રહ્યા છે. ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં લોકો લાઇન લગાવે છે. લાઇન લગાવ્યા બાદ પણ નંબર આવે ત્યારે જો કોઈ દસ્તાવેજમાં એકપણ પુરાવા ઘટ્યા તો બીજા દિવસે લાઈનમાં ઉભા રહેવું પડે છે. લોકો ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાય રહ્યા છે. કોરોનાની મહામારીમાં ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ આરટીઓ કચેરીમાં જ ભીડ થઈ રહી છે. ત્યારે વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. આરટીઓ કચેરી પર વાહન છોડાવવા આવેલા લોકોએ પણ રોષ વ્યકત કર્યો છે. વાહન છોડાવવા માટે ઘરેથી આરટીઓ સુધી આવવા માટે 80 રૂપિયા થાય છે અને ત્રણ દિવસથી આવી રહ્યા છીએ. અમદાવાદ શહેરમાં amts અને brts બંધ છે. બાઇક ડિટેઇન થઈ છે કઈ રીતે કામ માટે બહાર જવું. વહેલી સવારથી લોકો પોતાનું વાહન છોડાવવા માટે કચેરી પર આવી જાય છે અને લોકોની ભીડ થાય છે ત્યારે સંક્રમણ વધવાનો ડર પણ સતાવી રહ્યો છે.