સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની રવિવારે ક્રાઈમ બ્રાન્ચે જેલમાંથી ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાન્ચે વિશાલની સાથે અજય અને રીંકુ નામના બે સાગરીતોની પણ ધરપકડ કરી છે હવે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગવામાં આવશે. જેલમાં બેઠા બેઠા જ ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના ઈશારે તેના સાગરિતો ખંડણી માટે વેપારીઓને ધમકાવતા હતાં અને જેમાં તેની ગેંગના અજય ઉર્ફે આશુતોષ ઉર્ફે અભય ગોસ્વામી, તથા રીન્કુ ઉર્ફે રાજ ઉર્ફે રાજવીર ઉર્ફે રામવીર ઉર્ફે રાજેશ ગોસ્વામી પણ ફોન કરતાં હતાં. વિશાલ ગોસ્વામી જેલમાંથી જ વોટ્સએપ કોલ અને મેસેજ કરીને ધમકી આપતો હતો. જો આ રકમ ના આપે તો વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ પહેલાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઝડતી તપાસ કરતા વિશાલ ગોસ્વામી તથા અજય ઉર્ફે આશુતોષ ગોસ્વામી તથા રીન્દુ ઉર્ફે રાજ ગોસ્વામી પાસેથી બે એન્ડ્રોઈડ મોબાઈલ, એક સાદો ફોન, બે સીમકાર્ડ, મોબાઈલનું ચાર્જર, સીમકાર્ડ કાઢવા માટેની પીન, બે હેન્ડ્સ ફ્રી તેમજ મોબાઈલ ફોન નંબર લખેલી નોટબૂકો જેવી ચીજ વસ્તુઓ કબજે કરી છે.