અમેરિકાના નાગરિક અને અબજોપતિ ફાયનાન્સર તથા ઈન્વેસ્ટર થોમસ એચ. લી ન્યૂયોર્ક સ્થિત તેમના 767 ફિફ્થ એવેન્યૂ ખાતે આવેલી ઓફિસમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મીડિયા અહેવાલો પ્રમાણે મેનહટ્ટન કાર્યલયમાં તેમનો મૃતદેહ મળ્યો છે. તેઓ એક સફળ અને સાહસિક રોકાણકાર હતા અને અબજો ડોલરની સંપત્તિ ધરાવતા હતા.
તેમનું મૃત્યુ ગોળી વાગવાને લીધે થયું છે અને એવું પ્રતીત થયું હતું કે તેમણે પોતાની જાતને ગોળી મારી દીધી છે. એટલે કે તેમણે આત્મહત્યા કરી લીધી છે. થોમસ લીને પર્સનલ ઈક્વિટી રોકાણ તથા લીવરેજ્ડ બાય આઉટ્સના પાયોનિયર તરીકે ઓળખવામાં આવતા હતા.અમેરિકાના આ અબજપતિ બિઝનેસમેન તેમની ફર્મના હેડક્વાર્ટર ફિફ્થ એવેન્યી મેનહટ્ટન ઓફિસમાં 11:10 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બાથરૂમના ફર્શ પર મૃતદેહ પડ્યો હતો
સવારથી જ અબજપતિ થોમસ લીની કોઈ ભાળ મળતી ન હતી. ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઓફિસના બાથરૂમના ફર્શ પર મહિલા હેલ્પરે તેમનો મૃતદેહ જોયો હતો. આ ઉપરાંત જ્યારે મહિલા હેલ્પરે તેમના મૃતદેહને જોયો તો તેમને ગોળી લાગેલી હતી અને તેઓ જમીન પર પડ્યા હતા.
સ્થાનિક અહેવાલમાં જણાવાયું છે કે થોમસ લીના ફેમિલી ફ્રેન્ડ તથા પ્રવક્તા માઈકલ સિટ્રિકે એક નિવેદનમાં કહ્યું કે તેમના મોતને લીધે પરિવારને ખૂબ જ આઘાત અને દુઃખ પહોંચ્યું છે. વિશ્વમાં તેમણે પ્રાઈવેટ ઈક્વિટી બિઝનેસ (private equity business)માં એક પ્રતિષ્ઠિત તથા એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખ સ્થાપિત કરી હતી.
વર્ષ 1974માં કંપનીના સ્થાપના કરેલી
હાર્વર્ડમાંથી સ્નાતક થયેલા આ અબજપતિએ વર્ષ 1974માં Thomas H.Lee Partners L.Pની સ્થાપના કરી હતી. આ કંપની 1,690 કરોડ ડોલરની સંચાલન હેઠળની અસ્કયામતો ધરાવે છે. આ કંપની અનેક પેટાકંપનીઓ પણ ધરાવે છે.
વર્ષ 1992માં પ્રાઈવેટ ઈક્વિટી પાયોનીયરે સ્નેપલની ખરીદી કરી હતી અને બે વર્ષ બાદ 1.7 અબજ ડોલરમાં વેચી દીધી હતી. આ સોદાથી થોમસ લીને 32 ગણો નફો મળ્યો હતો. વર્ષ 1999માં લીએ ઉત્તર અમેરિકના પાંચમાં સૌથી મોટા પ્રિન્ટર વર્ટીસ કોમ્યુનિકેશન્સ સાથે ડીલ કરી હતી. જોકે વર્ષ 2008માં વર્ટીસે નાદારી નોંધાવી હતી.
15 અબજ ડોલર કરતા વધારે રોકાણ
થોમસ લીએચ. લી પાર્ટનરના અધ્યક્ષ અને CEO તરીકે કામ કરતા હતા. તેની સ્થાપના તેમણે વર્ષ 1974માં કરી હતી. ત્યારબાદ વર્ષ 2006માં થોમસ લી ઈક્વિટીની સ્થાપના કરી. તેઓ ઈક્વિટીના સંસ્થાપક અને અધ્યક્ષ હતા.
તેમણે પોતાના જીવનકાળમાં લિંકન સેન્ટર, ધ મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ, બ્રેન્ડિસ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી અને યહૂદી વિરાસત સંગ્રહાલયમાં એક ટ્રસ્ટી તથા પરોપકારી તરીકે કામ કર્યું હતું. છેલ્લા 46 વર્ષમાં તેમણે 15 અબજ ડોલર કરતા વધારે રોકાણ કર્યું હતું, જેમાં વોર્નર મ્યૂઝિક અને સ્પેનલ બેવરેજીસ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ખરીદવા તથા વેચાણનો સમાવેશ થતો હતો.