રાજ્યમાં પ્રવર્તેલી કોરોના વાયરસની વિકટ સ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પોતાના સંસદીય વિસ્તારમાં આવેલી કોલવડા ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું, કે ‘આજે ગુજરાત સરકારે કોલવડામાં ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં 200 દર્દીઓ સારવાર લઈ શકે એવી વ્યવસ્થા કરી છે. દેશભરમાં ઓક્સીજન પહોંચાડવા માટે અભિયાન શરૂ છે. રાજય સરકારે આ અભિયાનને ગતિ આપવાનું કામ કર્યુ છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ હોવાના કારણે દેશના અન્ય રાજ્યની સરખામણીમાં હાલમાં ગુજરાત પાસે વધારે ઓક્સીજન છે. પોતાની જરૂરિયાતને બાદ કરતા ગુજરાત બીજા રાજ્યોમાં ઓક્સીજન મોકલાવે છે. કોલાવડા સ્થિત ઓક્સીજન પ્લાન્ટમાં દર મિનિટે 280 લીટર ઓક્સીજન ખેંચી શકે તેવી ટેકનોલોજી છે. જેનાથી 200 દર્દીઓને ઓકિસજનનો લાભ મળી રહેશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પીએમ કેર્સ દ્વારા દેશભરમાં આવા ઓક્સીજન પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે જેમાં ગુજરાતને પણ આવા 11 પ્લાન્ટની મંજૂરી મળી છે.