જૂનિયર ક્લાર્ક પેપર લીક કાંડ મામલે મુખ્યમંત્રી નિવાસ્થાને મહત્વની બેઠક

ગુજરાતમાં ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થયું છે. જેને લઇને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી નહીં પરંતુ સ્ટ્રોંગ રૂમમાંથી લીક થયું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને પોલીસે એ દિશામાં તપાસ પણ શરૂ કરી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

પેપર લીક થયા બાદ મુખ્યમંત્રી નિવાસ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. આ બેઠકમાં પરીક્ષાની આગામી તારીખ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ પેપર ક્યાંથી લીક થયું એ બાબતે પણ ચર્ચા કરાઈ રહી છે.

જૂનિયર ક્લાર્કની આજે રાજ્યભરમાં પરીક્ષા યોજાવાની હતી. 9 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. ત્યારે પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપર લીક થયું હોવાનું બહાર આવ્યું હતું અને પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી હતી. મોડી રાત્રે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાથી અનેક ઉમેદવારો પરીક્ષા રદ થઇ હોવાની વાતથી અજાણ હોય પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયા હતા, પરીક્ષા રદ થતાં તેઓમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યાં છે.

એક દિવસ પહેલાજ પેપર લીક થતાં એકતરફ ઉમેદવારો અને વિપક્ષ સહિતના રાજકીય પક્ષો અને આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર પણ એક્શનમાં આવી છે. પેપર ક્યાંથી લીક થયું એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનિયર ક્લાર્કનું પેપર ગુજરાતના એક પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવ્યું હતું અને ત્યાંથી 20 દિવસ પહેલા સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યું હતું.

20 દિવસ પહેલા સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગયેલા પેપર પરીક્ષાના એક દિવસ પહેલા સ્ટ્રોંગરૂમમાંથી બહાર કાઢવામાં આવે છે અને ત્યાંથી પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે. જે સમયે પેપર સ્ટ્રોંગરૂમમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં હતા એ સમયે પેપર લિક થયું હોવાની પ્રબળ શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે કે આ પેપર અરવલ્લી અને વડોદરાના સ્ટ્રોંગરૂમમાંથી લીક થયું હોઇ શકે છે. જેથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ પેપર લીક કાંડમાં એવું પણ જાણવા મળ્યું છેકે, કેટલાક રાજકીય આગેવાનો દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે એક્શનમાં આવેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે તપાસ કમિટીની પણ રચના કરી છે. જે સમગ્ર પેપર લીક કાંડ અને તપાસ હાથ ધરશે અને સરકારને અહેવાલ સુપરત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *