અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગના અહેવાલની અદાણી ગ્રુપ પર અસર ક્યારે પૂરી થશે તે હજુ પણ કહેવું મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી લગભગ દરરોજ અદાણી ગ્રુપને એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે. વર્ષ 2023 ભારતીય અબજપતિ માટે ખૂબ જ ખરાબ સાબિત થયું છે.
અમેરિકાની શોર્ટ સેલર કંપની (Short-seller company) દ્વારા 24 જાન્યુઆરીના રોજ રિસર્ચ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાના દિવસ બાદ અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) શ્રીમંતોની યાદી (Billionaires List)માં સતત નીચે સરકી રહ્યા છે. અદાણી અગાઉ ટોપ-10માંથી….ત્યારબાદ ટોપ-20ની યાદીમાંથી અને હવે ટોપ-30માં રહ્યા નથી.
2022માં થયેલી કમાણી, એક મહિનામાં તેનાથી ડબલ ગુમાવી દીધા
અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થ (networth)માં આવી રહેલા જોરદાર ઘટાડાને પગલે વિશ્વમાં સમૃદ્ધોની યાદીમાં તેમનો દબદબો ઝડપથી ઘટી રહ્યો છે. વર્ષ 2022માં તાબડતોબ કમાણી કરનાર અદાણી વિશ્વના બીજા ક્રમના સૌથી સમૃદ્ધ વ્યક્તિ બની ગયા હતા અને વર્ષ પૂરું થયુ ત્યારે તેઓ ચોથા ક્રમાંક પર હતા. ત્યારબાદ નવા વર્ષ 2023ની શરૂઆત થઈ.
એવી આશા હતી કે ભારતીય ઉદ્યોગપતિ આ વર્ષે પણ કમાણીની બાબતમાં તમામ શ્રીમંતોને પાછળ રાખી દેશે. પણ જાન્યુઆરીનો પહેલો મહિનો પૂરો થાય તે અગાઉ જ અમેરિકા તરફથી એક અહેવાલ સામે આવ્યો અને તસવીરોને બિલકુલ બદલી નાંખી. કમાણીની બાબતમાં જ નહીં પણ સૌથી વધારે સમૃદ્ધિ ગુમાવનાર ઉદ્યોગપતિઓમાં પણ ગૌતમ અદાણી પ્રથમ નંબર પર પહોંચી ગયા છે.
અબજોપતિની યાદીમાં 33માં નંબર પર પહોંચ્યા
અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના અદાણી ગ્રુપ અંગેના અહેવાલ જાહેર થયા તે પહેલા 23 ફેબ્રુઆરી,2023ના રોજ તેઓ ટોપ-10 અબજપતિઓની યાદીમાં ઈલન મસ્ક, બર્નાર્ડ અર્નાલ્ડ અને જેફ બેજોસ બાદ ચોથા ક્રમાંક પર હતા. તે સમયે તેમની નેટવર્થ આશરે 116 અબજ ડોલર હતી. 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો અને 25 જાન્યુઆરીથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં એવો ભૂચાલ આવવાનો શરૂ થયો કે જે હજુ પણ અટક્યો નથી.
અદાણી ગ્રુપનું માર્કેટ વેલ્યૂ 12 લાખ કરોડ રૂપિયાથી વધારે ઘટી ચુક્યું છે. દરમિયાન શેરની કિંમત સતત ઘટતી હોવાથી ગૌતમ અદાણીની નેટવર્થ પણ ઘટી રહી છે. સમૃદ્ધોની યાદીમાં તેઓ પહેલા ચોથા સ્થાને હતા, જ્યાંથી સરકીને 10માં, અને 15 દિવસમાં જ ટોપ-10 યાદીમાંથી બહાર થઈ ગયા હતા. અને હવે ટોપ-30માંથી બહાર 33માં ક્રમાંક પર આવી ગયા છે.