તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ કાબુમાં આવી છે જો કે 50 કરોડથી વધુ વન્ય જીવોના મોત થયા છે તો લાખો વન્ય જીવોને મહામહેનતે બચાવી પણ લેવાયા છે જો કે મહા અભિયાનની વચ્ચે ફાયરબ્રિગેડના નિષ્ણાતોની એક ટીમે જંગલોમાં લાગેલી આગથી વોલેમી પાઇન્સ(ચીડ)નાં 200 વૃક્ષોને બચાવી લીધાં છે જેની નોધ પણ લેવા જેવી છે. આ વૃક્ષો ડાયનાસોરના યુગથી પણ પહેલાંના 20 કરોડ વર્ષ પહેલાના મનાઈ રહ્યાં છે. જે સિડનીના ઉત્તર-પશ્ચિમે આવેલા વિશ્વ વારસામાં સામેલ બ્લૂ માઉન્ટેનની સાંકડી ખીણમાં છે .
વાઈલ્ડ લાઈફ સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કિમતી દુ્ર્લભ વૃક્ષોને બચાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરાયું હતુ જેમાં આ ડાયનાસોરથી જૂનાં વૃક્ષોને ભીના રાખવા માટે સિંચાઈ પદ્ધતિ સ્થાપી હતી. બે મહિના સુધી સતત આ ખીણમાં પાણીનો છંટકાવ કરાયો હતો ફાયર ફાઈટર વિમાનોથી આગ ઓલવતા કેમિકલનો પણ છંટકાવ કરાયો હતો. તેનાથી આ વૃક્ષો સુધી પહોંચતા પહેલાં આગની તીવ્રતા ઘટી ગઇ હતી. આ વૃક્ષોની ચારે બાજુ સુરક્ષાત્મક રિંગ બનાવાઈ હતી. અત્યાર સુધીનુ વિશ્વમાં આ પ્રથમ અભિયાન હતુ. વોલેમી પાઇનનાં આ વૃક્ષો દુનિયામાં ફક્ત સિડનીમાં જ બચ્યાં છે. આ પ્રજાતિ 20 કરોડ વર્ષથી પણ જૂની છે. એટલુ જ નહીં આ વિસ્તારને આરક્ષિત જાહેર કરીને અહીયા લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે.