પૂર્વોત્તરના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં થયેલી ચૂંટણીના પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 32 સીટ જીતીને બહુમતીનો આંકડો પાર કર્યો છે. ટિપરા મોથા પાર્ટીને 13 સીટ, ઈન્ડિઝિન્સ પીપલ ફ્રંટ ઓફ ત્રિપુરાને 1 સીટ, કોંગ્રેસને 3 બેઠક અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ને 11 સીટ મળી છે.
તો સત્તારુઢ NDPP-BJP ગઠબંધને ગુરુવારે 33 સીટ જીતીને 60 બેઠક ધરાવતી નાગાલેન્ડ વિધાનસભા સીટમાં પણ બહુમતી મેળવી છે. જ્યારે મેઘાલયમાં હજુ સુધી કોઈને સ્પષ્ટ બહુમતી નથી મળી. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું જ્યારે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.
ત્રણેય રાજ્યોની ચૂંટણી પરિણામ બાદ ભાજપ કાર્યલાયમાં ઉજવણી ચાલી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ પણ સંબોધન કર્યું.
ચૂંટણીમાં મોટું પરિવર્તન જોયુંઃ વડાપ્રધાન
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ત્રિપુરામાં એવી સ્થિતિ હતી કે એક પાર્ટી સિવાય બીજી પાર્ટીનો ઝંડો પણ લગાવી શકાતો ન હતો. જો કોઈએ લગાડવાનો પ્રયાસ કર્યો તો તેને લોહિલુહાણ કરી દેવાતો હતો. આ વખતે આ ચૂંટણીમાં આપણે કેટલું મોટું પરિવર્તન જોયું. હવે આપણે નવી દિશા પર ચાલી રહેલા પૂર્વોત્તરને જોઈ રહ્યાં છીએ.
હવે નોર્થ ઈસ્ટ ન દિલ્હીથી દૂર છે ન દિલથીઃ PM
PM મોદીએ કહ્યું કે આ ચૂંટણી દિલના અંતરને સમાપ્ત થવાની સાથે નવા વિચારનું પ્રતિબિંબ છે. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી. આ નવો યુગ અને નવા ઈતિહાસ રચવાનું ફળ છે. ચૂંટણી જીતવાથી વધુ સંતોષ એ વાતનો છે કે મારા વડાપ્રધાનના કાર્યકાળમાં હું અનેક વખત નોર્થ ઈસ્ટ જઈને ત્યાંના લોકોનું દિલ જીત્યો. આપણાં કેટલાંક શુભચિંતક પણ છે જેમને આ વાતથી તકલીફ છે કે અંતે ભાજપની જીતનું કારણ શું છે? અત્યાર સુધીના પરિણામ મેં ટીવી પર નથી જોયા કે એ પણ નથી જોયું કે EVMને ગાળો પડવાની શરૂ થઈ ગઈ કે નહી.
આ પૂર્વોત્તરના નાગરિકોનું સન્માન છેઃ વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે જે મોબાઈલ ફોનના માધ્યમથી પ્રકાશ ફેલાવ્યો છે, તે પૂર્વોત્તરના નાગરિકોનું સન્માન છે. પૂર્વોત્તરની દેશભક્તિનું સન્માન છે. પ્રગતિના રસ્તે પર જવાનું સન્માન છે. આ પ્રકાશ તેમના સન્માનમાં છે, તેમના ગૌરવમાં છે. તમારા બધાંનો હું આભાર વ્યક્ત કરું છું.
નોર્થ ઈસ્ટમાં આપણાં કાર્યકર્તાઓએ ડબલ મહેનત કરીઃ વડાપ્રધાન
PM મોદીએ કે છેલ્લાં કેટલાં વર્ષોમાં ભાજપ મુખ્યાલય એવા અનેક પ્રસંગોનું સાક્ષી બન્યું છે, આજે આપણા માટે જનતાને વિન્રમતાથી નમન કરવાનો વધુ એક પ્રસંગ આવ્યો છે. હું ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની જનતાનો માથું નમાવીને આભાર વ્યક્ત કરું છું. આ રાજ્યોની જનતાએ આપણી સાથી સહયોગીઓને ભરપુર આશીર્વાદ આપ્યો છે. દિલ્હીમાં ભાજપ માટે કાર્ય કરવું કઠીન નથી પરંતુ નોર્થ ઈસ્ટમાં આપણાં કાર્યકર્તાઓએ ડબલ મહેનત કરી છે. તેના માટે હું તેમની પ્રશંસા કરું છું અને ધન્યવાદ આપું છું.
PM મોદીનું સંબોધન
PM મોદીએ કહ્યું કે નોર્થ ઈસ્ટના લોકોનો આભાર. હું તમામનો આભાર વ્યક્ત કરું છું. ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન. વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન લોકોને મોબાઈલમાં ફ્લેશ લાઈટ ચાલુ કરીને નોર્થ ઈસ્ટના લોકોનું સન્માન કરવાનું કહ્યું. આજના પરિણામ આગળ માટે એક મેસેજ છે.
જેપી નડ્ડાએ PM મોદીની પ્રશંસા કરી
જેપી નડ્ડાએ કહ્યું- વડાપ્રધાન મોદીજીએ પૂર્વોત્તરને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કર્યો તેથી જ આપણે ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શક્યા. વડાપ્રધાને ઉત્તર પૂર્વના ત્રિપુરામાં ફરી સરકાર બનાવવાનું નેતૃત્વ આપ્યું. નાગાલેન્ડમાં ભાજપને યશસ્વી બનાવ્યું અને મેઘાલાયમાં વોટ ટકાવાર વધારવામાં યોગદાન આપ્યું. વડાપ્રધાને દેશના પહેલા એવા PM છે જેમણે લગભગ 50 વખત પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત કરી. જેનાથી ખ્યાલ આવે છે કે તેમણે આ ક્ષેત્રને પ્રાથમિકતા આપી અને તેને મુખ્ય ધારામાં લાવવામાં મદદ કરી.
જેપી નડ્ડાનું સંબોધન
ભાજપની ભવ્ય જીતને લઈને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું- ત્રિપુરા, નાગાલેન્ડમાં કમળ ખીલ્યું છે. આ જીત માટે વડાપ્રધાન મોદીને અભિનંદન. પીએમ મોદીએ નોર્થ ઈસ્ટમાં વિકાસ કર્યો છે. વિકાસના કારણે આ જીત મળી છે. પૂર્વોત્તર ચૂંટણીમાં ભાજપનું શાનદાર પ્રદર્શન પર હું આપણાં કાર્યકર્તાઓ તરફ વડાપ્રધાન મોદીજીનું સ્વાગત અને અભિનંદન આપું છું.
ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની જીત પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે- ત્રિપુરાનો દિલથી આભાર, આ સ્થિરતા અને વિકાસ માટે વોટ છે. ત્રિપુરામાં ભાજપ વિકાસ માટે આગળ પણ કામ કરતી રહેશે. તમામ કાર્યકર્તાઓ પર મને ગર્વ છે.