કોરોના વાઇરસને લઈને સમગ્ર વિશ્વ ચિંતિત છે અને તમામ એરપોર્ટ પર ખાસ તકેદારી રખાઈ રહી છે. ત્યારે કોરોનાની અસર ગુજરાતમાં પણ પડી છે .આ વાઈરસને કારણે સૌથી મોટો ફફડાટ સુરતના હીરાઉદ્યોગમાં પ્રસરી ગયો છે. સુરતના પોલીશ્ડ ડાયમંડની કુલ વપરાશમાંથી ૩૭ ટકા ડિમાન્ડ હોંગકોંગની હોય છે, જયારે ૪ ટકા માગ ચાઇનાની રહે છે, જે હોંગકોંગથી જ ઓપરેટ થાય છે. કોરોના વાઇરસને કારણે આ બન્ને માગ પર સીધી અસર થઈ છે. આ વેપાર હાલ પૂરતો તો બંધ થઈ ગયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે હોંગકોંગમાં 4 માર્ચના યોજાનારા વર્લ્ડ ડામયન્ડ ટ્રેડ-શોને પણ અસર થવાની છે. આ ટ્રેડ-શો ૮ માર્ચ સુધી ચાલશે. કોરોનાના કારણે સુરતમાંથી પણ વેપારીઓ આ શોમાં ભાગ લઈ શકવાની શકયતા એકદમ ઓછી છે. તો અમેરિકા,યુરોપ, રશિયા જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાંથી પણ વેપારીઓ જઈ નહી શકે. એક શકયતા હાલની સ્થિતિને લઈને એ છે કે હાલમા આ ટ્રેડ-શો મોકૂફ રાખવાની જાહેરાત પણ થઈ શકે છે. મહત્વનું છે કે સુરતનો હીરા ઉદ્યોગ દર વર્ષે હોંગકોંગમાં થતા આ ટ્રેડ-શોમાંથી કરોડો રૂપિયાના ઓર્ડર મેળવતું હોય છે. જો ટ્રેડ-શો પોસ્ટપોન થયો હતો બિઝનેસ પાછો ઠેલાશે અને જો રદ થયો તો હોંગકોંગ-ચાઇનાના નિયમિત બિઝનેસ સાથે સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝે આ ઓર્ડર પણ ગુમાવાનો વારો આવશે.