ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે અત્યાર સુધીમાં 40થી વધુ લોકોનાં મોત થઈ ચુકયા છે. તો બીજી તરફ ગુજરાતના 100 યુવાનો સહિત ભારતના 300થી વધુ યુવા વિદ્યાર્થીઓની આરોગ્યની સલામતીની ચિંતા રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કરી છે. તેમને વતન પરત લાવવા માટે વિદેશ મંત્રી જયશંકર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે. આ પહેલા વડોદરાના નવાયાર્ડ ડી કેબિન સ્થિત રેલવે કોલોનીની વિદ્યાર્થિની શ્રેયા જૈમન(ઉ.વ.18) અને સોમા તળાવ વિસ્તારના વૃદ પટેલ સહિત સહિત 20 ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનના વુહાન સિટીમાં ફસાયા છે. જેઓ ભોજન અને પાણી મળી રહ્યું નથી અને મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. જેથી વિદ્યાર્થિનીના પિતા શશિકુમાર જૈમને પીએમઓ, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી, સીએમ અને સાંસદને ટ્વિટ કરીને આ અંગે જાણ કરી છે અને તેમની પુત્રી સહિત વિદ્યાર્થીઓને બચાવવા માટે મદદની માંગણી કરી છે.