માછલીના બચ્ચાં જીવતા રહેશે તો માછીમારોના બચ્ચાં જીવતા રહેશે

જો માછલીના બચ્ચા જીવતા રહેશે તો જ માછીમારોના બચ્ચાં જીવતા રહેશે- સીએમ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શનિવારે પોતાના નિવાસસ્થાને માછીમાર જાતિના મહેમાનો સાથે મોકળા મને વાત કરી હતી. જો માછલીના બચ્ચા જીવતા રહેશે તો જ માછીમારોના બચ્ચાં જીવતા રહેશે એવી ભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નાના માછીમારો પણ જીવન નિર્વાહ કરી શકે કે હેતુ મોટા ટ્રોલર માટે ચોક્કસ દિશા નિર્દેશો અપાશે અને યોગ્ય કાર્યવાહી કરાશે. અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતના દરિયામાં આવીને માછીમારી ન કરી જાય તે માટે નજીકના સમયમાં જ ચોક્કસ કાયદો બનાવશે. આ માટેની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.

ગુજરાતમાં ૯ હાર્બર વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે- સીએમ રૂપાણી

નડિયાદમાં આંતરદેશીય-ઇન લેન્ડ માછીમારી કરતાં માછીમાર પ્રશાંતભાઈ જયસ્વાલે મોકળા મને કહ્યું કે, ‘૩૭ વર્ષમાં પહેલા સી.એમ. જોયા જે માછીમારોની વાત આ રીતે શાંતિથી સાંભળે છે.’ તેમણે ઇન લેન્ડ માછીમારીના વિકાસમાં વિશેષ સંભાવના હોવાની વાત કરીને એ દિશામાં યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણ રિવોલ્યુશનની વાત કરી રહ્યાં છે એ જ રીતે ઇન લેન્ડ – આંતરદેશીય માછીમારીના વિકાસ માટે જરૂરી તમામ પ્રયત્નો કરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા કાંઠાના માછીમાર લખનભા ઓઢાભા કેર એ વધું બોટોને લાંગરવાની વ્યવસ્થા કરવાની વાત મૂકી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ‘ગુજરાતમાં ૯ હાર્બર વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે ભારત સરકારના પરામર્શમાં રૂપિયા ૧૨૦૦ કરોડનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. માછીમારોએ ઓખામાં હાર્બરનું ખાતમુહૂર્ત વિજયભાઈ રૂપાણીના હસ્તે થાય એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે, એટલે વધુ સંવેદનશીલ છે. વધુ માછલીઓની અપેક્ષાએ ક્યારેક ગુજરાતના માછીમારો પાકિસ્તાનની હદમાં જઈ ચઢે છે અને પછી સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય છે. આવી સરહદની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના માછીમારો સુરક્ષા અને દેશ હિતમાં સરહદના નિયમો વધુ ચુસ્તતાથી પાળે એ જરૂરી છે. દરિયાઇ તોફાનોમાં લાપત્તા થયા હોય છે કે મૃત્યુ પામ્યા હોય છે. આવા કેસોમાં અગાઉ રાજ્ય સરકાર લાપત્તા થયાના પાંચ વર્ષ પછી પરિવારજનોને મૃત્યુ સહાય ચૂકવાઈ હતી. શોક સંતપ્ત પરિવારજનો માટે આ સમયગાળો પણ ઓછો કરીને એક વર્ષનો કરાયો છે. તેમણે કહ્યું કે, માછીમારોના પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી નિર્ણયો લેશે. .

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દર મહિને ‘મોકળા મને’ કાર્યક્રમ અંતર્ગત સમાજના વિશેષ વર્ગો સાથે મોકળા મને ગોઠડી માંડે છે. આ અગાઉ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો સાથે, શિક્ષકો સાથે, દિવ્યાંગો સાથે, વિચરતી-વિમુક્ત જાતિના પ્રતિનિધિઓ સાથે અને મીઠું પકવતા અગરિયાઓ સાથે મોકળા મને વાત કરી છે. શનિવારે રાજયના ૧૫ જિલ્લાંના લગભગ ૬૫ જેટલા માછીમાર ભાઇઓ સાથે તેમણે મોકળા મને વાતચીત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *