દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મંગળવારે આવેલા પરિણામોમાં અરવિંદ કેજરીવાલના ઝાડુમાં કોગ્રેસ રીતસરની સાફ થઈ ગઈ તો સરકાર બનાવવાનો દાવો કરતી ભાજપને ફાળે માત્ર 8 બેઠકો જ આવી હતી. આમ આદમી પાર્ટીને 62 બેઠકો મળતાં ફરિ વાર એકઝિટ પોલના દાવા સાચા પડયાં હતાં. આપના વિજય સાથે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે દિલ્હીની જુની વિધાનસભા વિખેરી નાંખી હતી. હવે આગામી 14મીએ તારીખે અરવિંદ કેજરીવાલ સીએમના શપથગ્રહણ કરી તેવી શકયતા છે. આપ પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે સતત 3 જી વાર ચૂંટણી જીતીને હેટ્રીક સર્જી હતી. એકલે હાથે ભાજપના હાઈકમાન્ડને હરાવીને ફરી વાર કેજરીવાલ જાયન્ટ કીલર સાબિત થયા છે. પીએમ મોદીએ પણ કેજરીવાલને જીતના અભિનંદન પાઠવ્યાં હતાં. વોટબેકની વાત કરીએ તો આપને કૂલ 53.58 ટકા અને ભાજપને 38.49 ટકા મત મળ્યાં હતાં. જયારે કોગ્રેસને માત્ર 4.27 ટકા મત મળ્યાં હતાં. સૌથી મહત્વની વાત શાહીન બાગ જે વિસ્તારમાં આવે છે તે ઓખલા સીટના આપનાં ઉમેદવાર અમાતુલ્લાખાનને સૌથી વધુ મત મળ્યાં હતાં. ચૂંટણીના તમામ પરિણામ આવ્યાં બાદ આપના કાર્યાલયમાં કાર્યકરોને સંબોધતાં કેજરીવાલે કહ્યું, ‘દિલ્લીવાલોં, ગઝબ કર દીયા આપને. આઈ લવ યુ. આજે એક નવા પ્રકારના રાજકારણની શરૂઆત થઈ છે. દેશ માટે આ ઘણો જ આશાસ્પદ સંદેશ છે અને હવે માત્ર કામનું રાજકારણ જ દેશને 21મી સદીમાં આગળ લઈ જઈ શકશે. આ ભારત માતાનો વિજય છે. આજે મંગળવાર છે, તો હનુમાનજીનો પણ ખૂબ ખૂબ આભાર. તેમણે દિલ્હી પર તેમની કૃપા વરસાવી છે. તે આગળના પાંચ વર્ષ માટે પણ અમને શક્તિ આપે, અમે આગામી પાંચ વર્ષ પણ દિલ્હીની સેવા કરી શકીએ.’ બાદમાં સમગ્ર ચૂંટણીમાં ભાજપે જે હનુમાનજી મંદિરનો વિવાદ છેડયો હતો તે જ મંદિરમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા દર્શન કરવા ગયાં હતાં.