દેશના સૌથી ચકચારી નિ્ર્ભયા કેસમાં હજુ પણ આરોપીઓ ફાંસીના ફંદાથી દૂર જઈ રહ્યાં છે અને કોર્ટમાં તારીખ પે તારીખ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ચારેય આરોપીઓ તરફથી કાયદાના તમામ વિકલ્પો ફાંસીની સજાથી બચવા માટે અપનાવાયા હતા જો કે તમામની અરજી ફગાવી દેવાતાં ફાંસી હવે નિશ્વિત બની ગઈ છે પણ તારીખ નક્કી થતી નથી જેને લઈને નિર્ભયાની માતાએ પણ અનેક સવાલો ઉઠાવ્યાં છે. એક તબક્કે તો પતિયાળા કોર્ટે મંગળવારે સવારે 6 નો સમય પણ નક્કી કરી દીધો હતો જો કે બાદમાં ફરી ફાંસી ટળી ગઈ હતી. અગાઉ નિર્ભયાની માતાએ કોર્ટ બહાર ધરણા પણ કર્યાં હતા. .તેમનુ કહેવુ હતુ કે ચારેય અપરાધીઓને ફાંસીએ લટકાવવા માટે ચોક્કસ તારીખ જાહેર કરાય .જોકે તેમ ન થતા બાદમાં તેઓ કોર્ટની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. નિર્ભયાની માતાએ કહ્યું હતું કે કોર્ટ કહે છે કે અપરાધીઓને પણ કાયદાએ કેટલાક અધિકારો આપ્યા છે, મારે કહેવું છે કે એક માતા તરીકે મને પણ કેટલાક અધિકારો મળ્યા છે. આ પહેલા નિર્ભયાની માતાએ આ નિવેદન અગાઉ કોર્ટમાં પણ આપ્યું હતું. તેમની માગ હતી કે જલ્દીમાં જલદી ચારેય નરાધમનો ફાંસી આપી દો. જોકે જજે કહ્યું હતું કે અપરાધીઓને પણ અધિકારો હોય છે જેનો ઉપયોગ તે કરી તે બાદ જ ફાંસી આપી શકાય.