ધર્મશાલાનું મેદાન મેચ માટે ‘અનફિટ’, રાજકોટ અથવા મોહાલીમાં શિફ્ટ થઈ શકે છે ત્રીજી ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટ મેચના શિડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. પહેલાથી નિર્ધારિત શિડ્યૂલ મુજબ, આગામી 1 થી 5 માર્ચ દરમિયાન ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશલામાં રમાવાની હતી. જો કે લેટેસ્ટ રિપોર્ટ મુજબ, આ મેચના સ્થળમાં ફેરફાર થઈ શકે છે.

હકીકતમાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું મેદાન હાલ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર નથી. એવામાં ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાની જગ્યાએ મોહાલી, રાજકોટ સહિત અન્ય કોઈ શહેરમાં શિફ્ટ થવાની સંભાવના છે.

BCCIના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ત્રીજી ટેસ્ટને ધર્મશાલાની બહાર શિફ્ટ કરવામાં આવી શકે છે, કારણ કે હાલ મેદાનમાં રિનોવેશન બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે અનફિટ છે.

જો કે BCCI આગામી થોડા દિવસોમાં આ મામલે મેદાનની સમીક્ષા કર્યા બાદ અંતિમ નિર્ણ લેશે. મેદાન કેટલું તૈયાર છે, તેની સમીક્ષા કરવા માટે બોર્ડની એક ખાસ ટીમ જલ્દી ધર્મશાલાની મુલાકાત લેશે.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ધર્મશાલા ટેસ્ટ યજમાની નહીં કરી શકે. જો કે એક વખત સ્ટેડિયમનું કામ પૂર્ણ થયા બાદ અમે વિશ્વકપ પહેલા અહીં કેટલીક મેચ રમાડવાનો પ્રયત્ન કરીશું.

ત્રીજી ટેસ્ટ મેચની યજમાની માટે મોહાલી તૈયાર છે. આ ઉપરાંત અમારી પાસે રાજકોટ, વિશાખાપટ્ટનન, ઈન્દોર, પૂણે સહિતના વિકલ્પો પણ તૈયાર છે. જો કે અમે સબંધિત પક્ષો સાથે ચર્ચા બાદ આખરી નિર્ણય જાહેર કરીશું.

જણાવી દઈએ કે, અગાઉ ધર્મશાલામાં એક ટેસ્ટ મેચ રમાઈ હતી. જે 2017 બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ મેચ હતી. જેમાં અજિંક્ય રહાણીને કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે જીતીને સિરીઝ પર 2-1થી કબજો જમાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *