તા.૧૭ થી ૨૭ ફેબ્રુ. દરમિયાન અમદાવાદમાં ‘સરસ મેળો-૨૦૨૩’ નું આયોજન

‘સરસ મેળો-૨૦૨૩’ના આકર્ષણો
• આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ મેળાના વિશેષ આકર્ષણો
• ૧૫૦ જેટલા મહિલા જૂથોના સ્ટોલ હશે; જેમાં રાજ્યના ૧૦૦, અન્ય રાજ્યના ૫૦ સ્ટોલ
• હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યો ભાગ લેશે
• બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ, બેસ્ટ સેલર અને ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કૃત કરાશે

રાજ્યમાં તા. ૧૭ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ના ઉદ્દેશથી ‘સરસ મેળો-૨૦૨૩’ યોજાશે. આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિની ઉપસ્થિત રહેશે. રાજ્યના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે તેમના ઉત્પાદનોનું પ્રદર્શન-સહ-વેચાણ થાય તે માટે ‘સરસ મેળા-૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથો આ સરસ મેળાનો ભાગ લેનાર છે. આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ આ મેળાના વિશેષ આકર્ષણો છે. આ મેળામાં ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ માટે દેશના વિવિધ રાજ્યોના ૫૦થી વધુ સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના ૧૦૦ જેટલા સ્ટોલ હશે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યો ભાગ લેશે. હરિયાણાની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, આસામ અને મેઘાલયની બામ્બુ આર્ટ, તેલંગાણાની પોચમપલ્લી હેન્ડલૂમ, આંધ્રપ્રદેશની કલમકારી આર્ટ પેઇન્ટીંગ ઉત્તરપ્રદેશની હેન્ડલૂમ બેટશીટસ, કેરલાનું કિચન એગ્રીકલ્ચર પ્રોડક્ટ, મહારાષ્ટ્રના કોલ્હાપુરી ચંપલ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે. ઉપરાંત આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કાર આપવામાં આવશે.

દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાતના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથો(સખી મંડળો)ને ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ના સૂત્ર-ઉદ્દેશ્યને સાર્થક કરવા બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કરેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આવા સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહિત કરવાના આશયથી આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડિરેક્ટરશ્રી ડૉ. મનિષકુમાર બંસલે યાદીમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાતના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વ-સહાય જૂથો(સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી પ્રદર્શન-સહ-વેચાણ થાય તે હેતુથી આ પ્રકારના મેળાઓનું આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના કમિશનર-સચિવશ્રી મિલિંદ તોરવણે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડિરેક્ટરશ્રી ડૉ.મનિષ બંસલ, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ગ્રામવિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી સંઘના પ્રમુખ તથા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.ના અધિકારી-કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *