1993ના મુંબઈના બ્લાસ્ટ કેસનો આરોપી મુનાફ હાલારી ઝડપાયો

મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસનો આરોપી મુનાફ હાલારી એટીએસના હાથે ઝડપાયો

ગુજરાત એટીએસે મોટી સફળતા મેળવી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી મુનાફ હાલારીની 27 વરસ બાદ મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સાથોસાથ ગુજરાતના જખૌના દરિયામાંથી ૧૭૫ કરોડની કિંમતના ૩૫ કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં પણ આ કનેકશનને સૌથી કાઢયું છે. તાજેતરમાં પાંચ પાકિસ્તાનીઓની ધરપકડ બાદ તપાસમાં મુનાફ હાલારીનું નામ ખુલ્યું હતું. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે ૧૯૯૩ના મુંબઈના સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ મુનાફ મુંબઈ એરપોર્ટ પર આવવાનો છે જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. મુનાફ પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ કબજે લીધો છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુનાફને ભાગી જવામાં અને પાસપોર્ટ મેળવવામાં મુબઈ બ્લાસ્ટ કેસનાં સુત્રધાર ટાઈગર મેમણે મદદ કરી હતી. મુબઈના બ્લાસ્ટ બાદ ફરાર થયેલો મુનાફ પાકિસ્તાનના પાસપોર્ટને આધારે અટારી બોર્ડરથી બે વખત ભારત આવ્યો હતો.

ડ્રગ્સ માફિયા મુનાફ હાલારીનો પાકિસ્તાની પાસપોર્ટ

ગુજરાત એટીએસે ૨ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જખાના દરિયામાંથી ૩૫ કિલોગ્રામ હેરોઈન સાથે પાંચ પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી હાજી હસને મુનાફ હાલારીએ મોકલ્યો હોવાનું ખુલ્યું હતું.આ અગાઉ મુનાફ 1993 બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ હોવાથી તેની વિરૃધ્ધ રેડ કોર્નર નોટીસ પણ ઈશ્યુ કરાઈ હતી. એટીએસની તપાસમાં ખુલ્યું કે મુનાફ મુંબઈના ૧૯૯૩ના બ્લાસ્ટ બાદ બરેલી અને ત્યાંથી બેંગકોક, દુબઈ અને કેન્યા થઈને પાકિસ્તાન ભાગી ગયો હતો. બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ટાઈગર મેમણે મુનાફને પાકિસ્તાની પાસપોર્ટ બનાવવામાં મદદ કરી હતી. જો કે તેનો આ પાસપોર્ટ અનવર મુહમ્મદ અબ્દુલ માજીદના નામે બનાવડાવ્યો હતો. મુનાફ સતત મેમણના સંપર્કમાં રહેતો હતો અને પાકિસ્તાની નાગરીક તરીકે નૈરોબી અને કેન્યામાં છુપાઈને રહેતો હતો. આ જ પાકિસ્તાની પાસપોર્ટને આધારે તે બે વખત ભારત આવ્યો હતો. જેમાં ૨૦૧૪માં તે અટારી બોર્ડરથી પ્રવેશ્યો હતો અને મુંબઈ ગયો હતો. તેની પાસેથી મળેલો પાકિસ્તાની પાસપોર્ટ બે વખત રિન્યુ થયેલો છે.પોલીસથી બચવા માટે મુનાફે નૈરોબીમાં મેગ્નમ આફ્રિકા નામે ધંધો શરૃ કર્યો હતો. બાદમાં ટાઈગર મેમણના ઈશારે ખાસ કરીને ચોખાની આયાત નિકાસનો ધંધો શરૃ કર્યો હતો. ચોખાની નિકાસને બહાને તેણે દાણચોરી મારફતે ભારતમાં વિસ્ફોટકો મોકલવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગુજરાત એટીએસે જખૌના દરિયામાંથી ૩૫ કિલોગ્રામ ડ્રગ્સ સાથે પકડેલા પાંચ પાકિસ્તાનીની પુછપરછ કરતા તેમણે ડ્રગ્સનું આ કન્સાઈન્મેન્ટ કરાંચીના હાજી હસને મોકલાવ્યું હોવાનું જણાવ્યું હતું. હાજી હસને માજીદ સાથે ફોન પર મુનાફ હાલારી સાથે વાત પણ કરી હતી. જેમાં દાણચોરી મારફતે ભારતમાં વિસ્ફોટકો અને હેરોઈન પહોંચાડવાની વાત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *