મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી ૧પ દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુકત ગામ કરવા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ કરી હતી. આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન તેમણે કર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે ૧૦ વ્યક્તિઓની એક કમિટિ બનાવી, તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, PHC, CHCના સહયોગથી ગ્રામજનોનું ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી ગામડાંઓમાં કોરોના સંક્રમણ પ્રવેશતું અટકાવી શકાય. વિજયભાઇ રૂપાણીએ સૌ ગ્રામજનોને તાકીદ કરી કે ૧પ દિવસ માટે ગામમાંથી કોઇ બહાર ન જાય કે બહારની કોઇ વ્યક્તિ ગામમાં આવે નહિ તેવી નાકાબંધી કરીએ. એટલું જ નહિ, સરકારે આપેલ નિમંત્રણો-નિયમોનું ચુસ્ત પાલન થાય, ગામ સેનીટાઇઝ પણ થાય તો આ કોરોના સંક્રમણ ગામડાંઓમાં ફેલાતું અવશ્યક અટકશે જ.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યકત કર્યો કે, દરેક ગ્રામજન પોતાના ઘર પરિવાર સાથોસાથ ગામની પણ સામુહિક ચિંતા કરશે અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા સોશિયલ ડીસ્ટન્સીંગ, માસ્ક, વારંવાર હાથ ધોવા અને ભીડભાડ ન રાખવી જેવા નિયમો અપનાવશે તો કોરોના સામેની આ બીજી લ્હેરમાં પણ આપણે જંગ જિતી શકીશું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત કોરોનામુકત બને એ દિશામાં સૌ કોઇ રાજ્યના આ સ્થાપના દિવસથી સંકલ્પ લઇને જાગૃતિ-સતર્કતા દાખવે તેવો અનુરોધ પણ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારે કોરોના સંક્રમિતોની સારવાર-વ્યવસ્થા માટે અપનાવેલી રણનીતિ, બેડ, ઓકસીજન વ્યવસ્થા વગેરેની પણ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યની હોસ્પિટલોમાં માર્ચ મહિનામાં ૪૧,૮૭૦ બેડ હતા જે આજે ૧ લાખની ઉપર પહોચ્યા છે. ઓકસીજન અને આઇ.સી.યુ બેડ પણ ૩.પ ગણા વધયા છે તે ૧૬૦૪૩માંથી પ૭૦૭૩ થયા છે.