કોવિડ સાધન-સામગ્રીની વિદેશમાંથી આયાત પરનો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે

મુખ્યમંત્રી શ્વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોપોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સીજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સીજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસીવીર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર સંચાલિત હોસ્પીટલો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પીટલો અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પીટલ/ સંસ્થાઓને વિના મૂલ્યે આપે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને તેનું ભારણ આયાતકાર પર આવશે નહિ. રાજ્યમાં કોવિડ-૧૯ કેસોની સંખ્યામાં અચાનક ઘણો વધારો થવાથી અને આ સંક્રમણમાં રોગની તીવ્રતાને કારણે મેડિકલ ઑક્સીજન અને તે સંબંધિત સાધનો, વેન્ટિલેટર્સ, વેક્સીન, દવાઓ વગેરેની માંગમાં થયેલા વધારાના સંજોગો ધ્યાને લેતાં મોટી સંખ્યામાં કોર્પોરેટ કમ્પનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓ રાજ્ય સરકારને આવી સામગ્રી અને સંલગ્ન સાધનોની મદદ પૂરી પાડવા આગળ આવેલ છે. ત્યારે આવી કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *