રાજ્યમાં નકલી રેમડેસિવિર વેચવાના કુલ 23 ગુના, 57ની ધરપકડ

ગુજરાતમાં કોરોનાના કાળા કેર વચ્ચે નકલી રેમડેસિવિર વેચવાનુ કૌભાંડ ધમધમી રહ્યુ છે તેને નાથવા માટે ગુજરાત પોલીસે ખાસ એકશન પ્લાન બનાવીને 57 મેડીકલ માફિયાઓને ઝડપી લીધા છે અને હજુ પણ તપાસ ચાલુ છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, રેમેડેસિવરનાં કાળાં બજારિયાં સામે ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશની આઈપીસી કલમ-308, છેતરપિંડી અને વિશ્વાસઘાતની આઈપીસી કલમ- 420 અને 405, ભેળસેળના ગુનાની આઈપીસી કલમ-274 તથા 275 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-7 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-53 લગાડાતી હતી, પરંતુ હાલના મહામારીના સંજોગોમાં આવું કૃત્ય કરનારાં સામે હવે પાસા અને પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઇન્ટેનનસ્ ઓફ સપ્લાઇઝ ઓફ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ(પીબીએમ એક્ટ) હેઠળ કાર્યવાહી કરાશે. આવા તમામ બનાવોને અતિ ગંભીર ગણીને રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે 23 ગુના નોંધીને 57ની ધરપકડ કરાઈ છે. જેમાં અમદાવાદ શહેરમાં નવ અને સુરત,રાજકોટ અને વડોદરા શહેરમાં ત્રણ-ત્રણ ગુનાઓ તથા મહેસાણા, વલસાડ, દાહોહ, પાટણ અને ભરૂચમાં એક-એક ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *