ગાંધીનગરમાં એલઆરડી ભરતી વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. પરિપત્ર રદ કરવા મામલે બિન અનામત વર્ગના આગેવાનો સહિત અનેક મહિલા ઉમેદવારોની ગાંધીનગર પોલીસે રસ્તામાંજ અટકાયત કરી દીધી હતી. સાથોસાથ આ આંદોલનમાં જોડાયેલા દિનેશ બાંભણીયા, રાજ શેખાવત અને પૂર્વીન પટેલની પણ પોલીસે અટકાયત કરી હતી. મહિલા ઉમેદવારોની છાવણીમાં પાટીદાર નેતાઓએ પહોચીને રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે. મંગળવારે સરકારે બેઠક યોજીને કેટલાંક મંત્રીઓને ઉપવાસી છાવણીમાં મોકલ્યાં હતા અને ઠરાવમાં સુધારો કરવાની ખાતરી આપી હતી આમ છતાંય આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું.