આજીવન કેદની સજા પડ્યા બાદ પેરોલ પર છૂટી એક વર્ષથી ફરાર થઇ ગયેલા સિરિયલ કિલર નિલય મહેતા ફરી ઝડપાયો છે. રાજકોટ પોલીસે તેને અમદાવાદથી ઝડપી લીધો હતો. પોલીસ પુછપરછમાં નિલયે નવા ચોકાવનારા ખુલાસા કર્યાં છે જેમાં જેલમાં રહેલા તેના બે સાથીદારો સાથે મળી અમદાવાદના ગનના વેપારી ઉદેસિંહ ભદોરિયાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જો કે આ પ્લાન પાર પડે અને સાતમી હત્યાને અંજામ આપે તે પહેલા ઝડપાઇ ગયો છે. રાજકોટ પોલીસે નિલયની સાથે પ્રદીપસિંહ રાજપુત અને કિશોર કોસ્ટીને પણ ઝડપી લીધા છે. નિલય મહેતાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, પોતે જેલમાં હતો ત્યારે જેલમાં તેનો પરિચય અમદાવાદના પ્રદીપસિંહ નરસિંહ રાજપૂત અને કિશોર ઉર્ફે રવિ ઉર્ફે લાલો રાજેશ કોસ્ટી સાથે થયો હતો. પ્રદીપસિંહ હથિયાર, મારામારી અને ધમકી આપવાના 9 ગુનામાં પાસામાં તેમજ કિશોર કોસ્ટી ચોરીના 4 સહિત 6 ગુનામાં પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો. નિલય મહેતા સાથે પરિચય થયા બાદ ત્રણેયે અમદાવાદના ઉદય ગનવાળા ઉદયસિંહ ભદોરિયાની હત્યાનો કારસો રચ્યો હતો. પ્રદીપસિંહના ભાઇએ અગાઉ ઉદયસિંહ ભદોરિયા પર ફાયરિંગ કરી તેની હત્યાની કોશિશ કરી હતી અને આ કેસમાં પ્રદીપસિંહના ભાઇને 10 વર્ષની સજા પડી હતી.
996થી 2013 સુધીમાં છ હત્યા કરી
- 1995માં ધો.10 પાસ કર્યા બાદ 1996માં વોચકેસના કારખાનામાં કામ કરવાનું નિલયે ચાલુ કર્યું હતું. કારખાનામાં સાથે કામ કરતો પરેશ રમણીકભાઇ રાઠોડ અવારનવાર ઝઘડો કરતો હોય કારખાનામાં જ છરીના ઘા ઝીંકી પહેલી હત્યા કરી હતી.
- 2003માં બસ સ્ટેન્ડ પાસેથી ટેક્સી ભાડે કરી નિકાવા તરફ લઇ જઇ અન્ય ત્રણ સાગરીતો સાથે મળી કારચાલક જેસીંગ વજુભાઇ સોલંકીની હત્યા કરી લૂંટ ચલાવી હતી.
- 2005માં નિલય અન્ય બે સાગરીત સાથે મળી ચોરી કરવાના ઇરાદે ગોંડલ રોડ, પેનોરમા કોમ્પ્લેક્સમાં ઘૂસ્યા હતા. કોમ્પ્લેક્સમાં સૂતેલા શ્રમિક હરેશ નામનો યુવાન જાગી જતા તેની હત્યા કરી હતી.
- 2005માં બે સાગરીત સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી એક ટ્રકમાં બેસી ચોટીલા નજીક ટ્રકચાલકની હત્યા કરી લૂંટ ચલાવી હતી.
- ચોટીલા પાસે હત્યા-લૂંટ કર્યાના 20 દિવસ બાદ બે સાગરીત સાથે મળી પાણસીણા પાસે ટ્રકચાલકની હત્યા કરી રોકડની લૂંટ કરી હતી.
- 2013માં પ્રેમિકા શબાના બેગ સાથે મળી આમ્રપાલી ફાટક પાસે એકલા રહેતા વૃદ્ધા વિમલેશકુમારીની હત્યા કરી ઘરેણાં-રોકડની લૂંટ ચલાવી હતી.